BIG BREAKING : અમેરિકામાં પન્નુની હત્યાના ષડયંત્ર કેસમાં આરોપી નિખિલ ગુપ્તાનું ગુજરાત કનેક્શન ખૂલતા ખળભળાટ
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે)એ ભારતીય નાગરિક પર પોતાના દેશમાં ખાલિસ્તાની નેતાના મર્ડરના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. હવે આ કેસમાં ગુજરાત કનેક્શન ખૂલતા ખળભળાટ મચી ગયો છે.
સત્તાવાર ડોક્યુમેન્ટમાં ગુજરાત કનેક્શન ખૂલ્યું
ગઈકાલે સત્તાવાર પ્રેસ રિલીઝમાં આ જણાવવામાં આવ્યું હતું કે, “આજે, ન્યુયોર્ક સિટીના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં 52 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા ઉર્ફે નિક વિરુદ્ધ ન્યૂયોર્કમાં એક અમેરિકન નાગરિકની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં તેની સંડોવણી બદલ કેસ શરૂ કરવામાં આવ્યો છે. તેના પર સોપારી લઈ હત્યાનો આરોપ મૂકાયો છે.” આ કેસના અમેરિકાના સત્તાવાર ડોક્યુમેન્ટમાં હવે ગુજરાત કનેક્શન ખૂલ્યું છે જેના કારણે ભારે ચકચાર મચી છે.
નિખિલ ગુપ્તાનું ગુજરાત કનેક્શન ખૂલતા ખળભળાટ
ડોક્યુમેન્ટમાં એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં એવું જાણવા મળ્યું હતું કે નિખિલ ગુપ્તાની જે ભારતીય નાગરિક સાથે વાત થઈ હતી તે દરમ્યાન ગુજરાત પોલીસ દ્વારા નિખિલ પર કરાયેલા કેટલાક કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે તેની સામેના તમામ આરોપો કાઢી નાંખવામાં આવતા તે આ બધા કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ગુપ્તાના તહોમતના દસ્તાવેજમાં યુએસ સરકારે આરોપ મૂક્યો હતો કે ભારતીય નાગરિક (જેની સંડોવણી છે)કે નિખિલને કહ્યું હતું કે તારા પર જે કેસ થયા હતા તે મારા બોસ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા હતા. હવે ગુજરાત પોલીસ તરફથી વધુ કોઈ મુશ્કેલી પેદા નહીં થવાની ખાતરી સાથે તેને ક્લીન ચીટ આપવામાં આવી છે. આ ખાતરી માટે તેની મીટિંગ DCP સાથે કરાવશે તેવો પણ ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ જોવા મળ્યો હતો.
મામલો ક્યાં ફસાયો હતો?
ડોક્યુમેન્ટમાં દાવો કરાયો છે કે મેની શરૂઆતના અઠવાડિયામાં ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તાનો એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનની મદદથી સંપર્ક સાધ્યો હતો. ભારતીય અધિકારીએ ગુપ્તાની એક ગુનાઈત કેસમાં મદદ કરવાના બદલામાં એક વ્યક્તિની હત્યા કરવાની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નિખિલ ગુપ્તા અને ભારતીય અધિકારી વચ્ચે ઈલેક્ટ્રોનિક કમ્યુનિકેશનના માધ્યમથી સતત વાતચીત થઈ રહી હતી. આ ઉપરાંત બંનેએ દિલ્હીમાં મુલાકાત પણ કરી હતી. અભિયોગમાં અમેરિકી એજન્સીની તપાસનો હવાલો આપી દાવો કરાયો છે કે ગુપ્તા અને ભારતીય અધિકારી વચ્ચે સતત એન્ક્રિપ્ટેડ એપની મદદથી વાતચીત થઇ રહી હતી અને આ મંત્રણા દરમિયાન ગુપ્તા દિલ્હી કે આજુબાજુના વિસ્તારમાં જ હતો. 12 મેના રોજ ગુપ્તાને જણાવી દેવાયું હતું કે તેમની સામે ચાલી રહેલા ગુનાઈત કેસનો નિકાલ લાવી દેવાયો છે. તેમને એવું પણ કહેવાયું કે ગુજરાત પોલીસ દ્વારા હવે તેમને કોઈ કોલ નહીં કરે. 23 મેના રોજ ભારતીય અધિકારીએ ફરી વખત ગુપ્તાને આશ્વાસન આપ્યું કે તેમણે પોતાના બોસ જોડે વાત કરી લીધી છે અને ગુજરાતમાં જે કેસ છે તેનો નિકાલ લાવી દેવાયો છે અને હવે તેને કોઈ ફરી વખત કોલ નહીં કરે. ભારતીય અધિકારીએ ગુપ્તાની એક ડીસીપી જોડે પણ મુલાકાત કરાવી હતી. અધિકારી દ્વારા વિશ્વાસ અપાવાયા બાદ ગુપ્તાએ ન્યુયોર્કમાં હત્યા કરાવવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. ગુપ્તાએ આ કામ માટે અમેરિકામાં અમેરિકી ગુપ્તચર એજન્સીના વિશ્વસનીય સુત્રનો સંપર્ક સાધ્યો હતો અને કહ્યું કે જે વ્યક્તિની હત્યા કરવાની છે તે ન્યુયોર્ક અને એક અન્ય અમેરિકી શહેર વચ્ચે અવર-જવર કરતો રહે છે.
ભારતે શું આપ્યો જવાબ?
ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા કેસ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે અમારી એવી કોઇ પોલિસી નથી. આ ચિંતાનો વિષય છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવક્તાએ કહ્યું જેમ કે અમે પહેલા કહ્યું કે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પર અમેરિકા સાથે ચર્ચા દરમિયાન અમેરિકન પક્ષે સંગઠિત ગુનેગારો અને આતંકવાદીઓ વચ્ચે સાંઠગાંઠ સંબંધિત કેટલાક ઇનપુટ શેર કર્યા છે. અમે આવા ઇનપુટને ગંભીરતાથી લઇએ છીએ. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તમામ પાસાઓ પર ધ્યાન આપવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. સમિતિના અહેવાલો પર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાચગીએ તેની જાણકારી આપી છે, તેમણે કહ્યું કે અમે આવી સુરક્ષાની ઘટના વિશે વધુ જાણકારી શેર નથી કરી શકતા.
અમેરિકી ન્યાય વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે સંબોધિત કરાયો છે. એવું કહેવાય છે કે CC-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યો હતો. દસ્તાવેજમાં CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાનું વર્ણવવામાં આવ્યું છે.