મજુરાગેટ પર મેટ્રોની કામગીરી વેળા લાઇન તૂટતા ગેસ લિકેજથી ગભરાટ
- ગેસની દુર્ગંધ ફેલાતા ભાગદોડ : ઉધનામાં રોડ પર રાતે સફેદ પટ્ટા પાડવાના મશીનમાં ગેસ લીકેજથી આગ લાગતા વાહનચાલકો પણ ફફડી ગયા
સુરત :
મજુરાગેટ ખાતે કડીવાલા સ્કુલ પાસે શુક્રવારે મોડી રાત્રે મેટ્રોની કામગીરી વેળાએ જેસીબીથી ખાડો ખોદતા ગેસ લાઇનમાં ભંગાણ થવાના લીધે ગેસ લીકેજ થતા ધટના સ્થળ પર નાસભાગ થઇ જવા પામી હતી. બીજા બનાવમાં ઉધના ત્રણ રસ્તા પાસે શુક્રવારે મોડી રાત્રે ટેમ્પામાં મૂકેલું રોડ પર સફેદ પટ્ટા પાડવાના મશીનમાં ગેસ લીકેજથી આગ લાગતા ભાગદોડ થઈ હતી.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી મુજબ મજુરાગેટ ખાતે કડીવાલા સ્કુલ પાસે શુક્રવારે મોડી રાતે મેટ્રોની કામગીરી ચાલતી હતી અને ત્યાં જેસીબી મશીનથી ગટર માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતી મુખ્ય ગેસ લાઈનને મશીન લાગતા તૂટી ગઈ હતી. જેથી લાઇન માંથી ગેસ નીકળવા માંડયો હતો. જોકે ગેસની દુર્ગંધ ફેલાવવા લાગતા સ્થળ ઉપર લોકોમાં ગભરાટ ફેલાયા બાદ નાસભાગ મચી ગઈ હતી. કોલ મળતા ફાયર લાશ્કરો અને ગેસ કંપની સ્ટાફ ત્યાં ધસી ગયા હતા. તકેદારી રાખવા માટે ગેસ લાઈનની ચારેબાજુ બેરિકેડિંગ કરીને એરિયાને કોર્ડન કરવામાં આવ્યો હતો. જયારે ગેસ કંપનીમાંથી એન્જીનીયરો સહિતના સ્ટાફે ગેસ લાઇનનો વાલ્વ બંધ કરીને ભંગાણ થયેલી લાઈનને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજા બનાવમાં ઉધના ત્રણ રસ્તા પાસે શુક્રવારે મોડી રાતે પિક એપ બુલેરો ટેમ્પામાં રોડ પર બંમ્પ સહિતના પર સફેદ કે અન્ય પટ્ટા પાડવાનું મશીન મુકીને આવ્યા હતા. જોકે ત્યાં રોડ પર પટ્ટા પાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે તે મશીનમાં ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. ત્યાં નજીકમાં હાજર લોકો ગભરાઇ જઇને દુર જતા રહ્યા હતા. કોલ મળતા ફાયરજવનો ત્યાં પહોચીને થોડા સમયમાં આગ કાબુમાં લીધી હતી. આગના લીધે મશીન અને થોડા ટેમ્પામાં નુકસાન થયુ હતું. આ બંને બનાવમાં કોઈ ઇજા જાનહાની થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.