વાઘોડિયારોડ પર શિવાંસ ફ્લેટ્સની બાલ્કની અને દીવાલ ધરાશાયી થતાં ગભરાટ
વડોદરાઃ વાઘોડિયારોડ પર આવેલા એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થતાં રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
સૂર્યનગર બસસ્ટેન્ડ સામે આવેલા શિવાંસ ફ્લેટ્સની બિલ્ડિંગ બે દાયકા કરતા જૂની છે અને તેનો ઘણો ભાગ જર્જરીત થઇ ગયો છે.આ બિલ્ડિંગમાં ૨૮ જેટલા પરિવારો રહેતા હતા.જે પૈકી કેટલાક પરિવાર હાલ બીજે ચાલ્યા ગયા છે.
રહીશોના કહેવા મુજબ આ બિલ્ડિંગના કોઇ ને કોઇ ભાગ તૂટતો હોય છે.આજે સાંજે પહેલા માળની બાલ્કનીની દિવાલ ધડાકા સાથે તૂટી પડતાં નીચે દુકાન પર કાટમાળ પડયો હતો.
સારાનશીબે કાટમાળ પડયો ત્યારે નીચે કોઇ વ્યક્તિ હાજર નહિ હોવાથી જાનહાનિ થઇ નહતી.રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,બિલ્ડિંગ બન્યું ત્યારથી કોઇ બિલ્ડર જોવા આવ્યો નથી.કેટલાક રહીશો બિલ્ડિંગ રીડેવલોપ કરવા તૈયાર નથી.જેને કારણે જે લોકો રહે છે તેમના જીવ જોખમમાં છે. કોર્પોરેશને તાકિદે એક્શન લેવા જોઇએ.
ફાયર બ્રિગડે આસપાસનો ભાગ કોર્ડન કરી લીધો હતો.પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી.