પનીરના શોખીનો ચેતી જજો! એસિડિક એસિડ અને પામોલિનની ભેળસેળ દ્વારા તૈયાર થતું નકલી પનીર
Duplicate Paneer : પનીરની બનાવટમાં પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ કરતાં અને ફૂડ લાયસન્સ વિના ધંધો કરતાં બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપીના એક વેપારી ભેળસેળ કરતાં પકડાયા છે. ફૂડ વિભાગની ટીમે પનીરના ત્રણ નમૂના લઈ બે લાખ રૂપિયાની કિંમતનો 915 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે.
ફૂડ લાયસન્સ વિના પેઢી ચલાવી ભેળસેળ કરતાં પકડાયા
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે કે ફૂડ વિભાગના તપાસનીશ કર્મચારીઓની સંખ્યા પણ ઓછી પડી રહી છે. વિભાગ એક જગ્યાએ દરોડો પાડે છે તો બીજા 10 વેપારીઓ ભેળસેળ કરે છે. બજારમાં ડુપ્લિકેટ ખોરાક બની રહ્યો છે અને વેચાઈ પણ રહ્યો છે.
છાપી જીઆઈડીસી એસ્ટેટમાં આવેલી આલિયા મિલ્ક પ્રોડક્ટ્સ કંપનીમાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન થાય છે તેવી બાતમીના આધારે ફૂડ વિભાગના કર્મચારીઓએ દરોડો પાડ્યો હતો. આ કંપનીના માલિક કરોડીયા ઉમરફરાક અબ્દુલ રહેમાન કોઈપણ જાતના ખોરાક ઉત્પાદનના પરવાના વિના ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતાં હતા.
એસિટિક એસિડ અને પામોલિન તેલના સાત ડબ્બા મળ્યા
કંપનીના માલિકની હાજરીમાં ફૂડ વિભાગના કર્મચારીઓએ ત્રણ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જ્યારે બાકીનો 915 કિલોગ્રામનો જથ્થો કે જેની અંદાજિત કિંમત બે લાખ રૂપિયા થાય છે તે સ્થળ પરથી જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.