હત્યા, અપહરણ, ખંડણી, લૂંટના ગુના આચરનાર પાંડેસરા-વડોદના કુખ્યાત સુરજ કાલીયા અને ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો
- ત્રણની ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવાયાઃ સુરજ અને રાજ માલીયાનો લાજપોર જેલમાંથી કબ્જો મેળવવા તજવીજ
- સુરજે પખવાડીયા અગાઉ યુવાનને તેરા નામ કિયા હે એમ કહી પાંચથી છ ઘા ઝીંકયા હતા
સુરત
હત્યા, અપહરણ, ખંડણી, લૂંટ, મારામારી, મિલકત પર કબ્જો જમાવવા સહિતના 44 થી વધુ ગુના આચરનાર પાંડેસરા-વડોદના માથાભારે સુરજ કાલીયા અને તેની ગેંગ વિરૂધ્ધ પાંડેસરા પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી ત્રણની ધરપકડ કરી છે. જયારે સુરજ અને તેના એક સાથીદારનો લાજપોર જેલમાંથી કબ્જો મેળવવાની તજવીજ શરૂ કરી છે.
શહેરમાં ગુનાખોરી આચરી આતંક મચાવનાર આસીફ ટામેટા, લાલુ જાલીમ ઉર્ફે અમીત મહેન્દ્રસીંગ રાજપુત , વિપુલ ગાજીપરા અને અશરફ નાગોરી, આરીફ મીન્ડી, મનિયા ડુક્કર સહિતની ગેંગને ગુજસીટોક હેઠળ સકંજામાં લેનાર સુરત પોલીસે પાંડેસરા-વડોદ વિસ્તારના કુખ્યાત સુરજ ઉર્ફે સુરજ કાલીયાની ગેંગ વિરૂધ્ધ પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પખવાડીયા અગાઉ વડોદના કમલા ચોક વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય અજય વિશ્વંભર વર્મા (ઉ.વ. 33) ઘરના આંગણામાં તાપણું કરી રહ્યો હતો ત્યારે તેરા નામ કિયા હે એમ કહી આંખની બાજુમાં, માથા અને છાતીમાં ચપ્પુના પાંચથી છ ઘા માર્યા હતા. હત્યાના પ્રયાસના આ ગુનાની તપાસ અંતર્ગત પોલીસે સુરજ ઉર્ફે સુરજ કાલીયા દયાશંકર સરોજની ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ કસવા સુરજ કાલીયા ઉપરાંત તેની ગેંગના રાજ ઉર્ફે રાજ માલીયા વિકાસ પંડા (ઉ.વ. 31 રહે. જન્નતીબાગ નજીક ઝુપડપટ્ટીમાં, સાગર માર્કેટની પાછળ, સલાબતપુરા અને મૂળ. નેતપુર, જિ. પુરી, ઓડિશા), કુલદીપ ગુલાબસીંગ ઠાકુર (ઉ.વ. 24 રહે. શાસ્ત્રીનગર, વડોદ અને મૂળ. પીપરગાવ, તા. તિંદવારી, જિ. બાંદા, યુપી), સતીષ ગીરજાશંકર યાદવ (ઉ.વ. 27 રહે. બાપુનગર, વડોદ અને મૂળ. પાલીયા, તા. વિરનો, જિ. ગાજીપુર, યુપી) અને અનિકેત ઉર્ફે અંકિત ઉર્ફે બૌઆ સુરેશસીંગ રાજપૂત (ઉ.વ. 21 રહે. સાંઇપેલેસ રેસીડન્સી, ભેસ્તાન અને મૂળ. બિવાર, જિ. હમીરપુર, યુપી) વિરૂધ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુરજ કાલીયા અને રાજ માલીયા હાલ અમીત વર્માની હત્યાના પ્રયાસ અને મહિધરપુરાની ચોરીના ગુનામાં લાજપોર જેલમાં કેદ હોવાથી તેમનો કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે. જયારે તેના અન્ય ત્રણ સાથી સતીષ, અનિકેત અને કુલદીપની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સુરજ કાલીયા અને તેની ગેંગના સભ્યો વિરૂધ્ધ 44 થી વધુ ગુના
પાંડેસરા-વડોદ વિસ્તારના કુખ્યાત સુરજ કાલીયા અને તેના સાથીદાર દ્વારા હત્યા, અપહરણ, ખંડણી, લૂંટ અને દેહવેપારની પ્રવૃત્તિ બદલ અલગ-અલગ અને ગેંગ વિરૂધ્ધ 44 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે સુરજને ત્રણ વખત, રાજ માલીયાને એક, કુલદીપ ઠાકોરને બે અને અનિકેત ઉર્ફે અંકિત રાજપૂતની એક વખત પાસા હેઠળ અટકાયત કરી હતી. તેમ છતા તેઓ બેખૌફ થઇ આંતક મચાવતા હોવાથી છેવટે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે.
સુરજે ધો. 11 ના વિદ્યાર્થીનું અપહરણ કરી આંગળી કાપી નાંખી હતી
સામાન્ય બાબતમાં સુરજ કાલીયાએ તેના મિત્રો સાથે મળી ભેસ્તાનના વાલ્મિકી આવાસમાં રહેતા કરિયાણાના વેપારીના ધો. 11 માં અભ્યાસ કરતા પુત્રનું બાઇક પર અપહરણ કરી ત્રણ કલાક સુધી અલગ-અલગ વિસ્તારમાં ફેરવ્યા બાદ જમણા હાથની આંગળી કાપી નાંખી હતી. અપહરણ કર્યુ ત્યારે પુત્રને બચાવવા આવેલી માતાને પણ બેરહમી પૂર્વક માર માર્યો હતો. આ ઉપરાંત પૈસાની લેતીદેતીના ઝઘડામાં પરિણીત પ્રેમિકાની 7 વર્ષની પુત્રીનું પણ સુરજ કાલીયાએ અપહરણ કરી સ્થાનિક વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય ઉભું કર્યુ હતું.