મહામારી આવે તો તંત્ર કેટલું એલર્ટ ? અહેવાલ તૈયાર કરાશે : વડોદરામાં 316 હોસ્પિટલમાં પેન્ડેમિક મોકડ્રીલ યોજાઇ
Vadodara : કોરોના તથા તેના જેવા મોટા રોગચાળાને ધ્યાનમાં લઇ દેશમાં આરોગ્યની સાચી પરિસ્થિતિ કેવી છે? એનો ત્યાગ મેળવવા માટે આજથી દેશભરમાં તારીખ 14 નવેમ્બર સુધી બે દિવસ માટે વિવિધ હોસ્પિટલો ખાતે પેન ઇન્ડિયા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરની વિવિધ હોસ્પિટલો ખાતે આજથી તેનું આયોજન કરવામાં આવ્યું છે.
પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે, હાલ દેશમાં મોટા કોઈ પેન્ડેમિક (રોગચાળા)ની શક્યતા જણાઈ રહી નથી. પરંતુ ભવિષ્યમાં જો કોવીડ જેવી ફરી કોઈ મહામારી આવે તો તેના માટે દેશનું આરોગ્ય તંત્ર કેટલું એલર્ટ છે? એ જાણવા આજથી દેશભરમાં આરોગ્ય લક્ષી મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો અહીં 150 જેટલી સુપર સ્પેશિયાલિટી તથા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, 124 જેટલા પાલિકાના યુપીએચસી, યુસીએસસી અને આયુષ્માન આરોગ્ય મંદિર તથા અન્ય ટ્રસ્ટ અને ખાનગી 42 જેટલી હોસ્પિટલો મળી કુલ 316 હોસ્પિટલ ખાતે આગામી 48 કલાક દરમિયાન અલગ અલગ તબક્કામાં અલગ અલગ સ્થળે મોકડ્રિલ યોજવામાં આવશે. જેમાં હોસ્પિટલો પાસે કેટલા આઈસીયુ બેડ, કેટલા જનરલ બેડ, વેન્ટિલેટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ વગેરેની કેવી તૈયારીઓ છે? એ માટે મોકડ્રીલ કરવામાં આવી રહી છે. મોકડ્રીલમાં સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ જોડવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા કર્મચારીઓને પોતાના અનુભવ સાથે પેન્ડેમિકમાં કેવી કામગીરી કરી શકાય? દર્દીઓને કેવી રીતે મદદરૂપ થઈ શકાય? તેની જાણકારીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે.