પાટડીમાં સફાઇ કામદારોના મોતના કેસમાં પંચરોજ કામમાં છબરડો
- ફરાર આરોપીની ધરપકડ કરી ભૂલ સુધારવા રજૂઆત
- મતૃક જયેશ પાટડિયાને કોન્ટ્રાક્ટ સુપરવાઈઝર દર્શાવતા પરિવારનો વિરોધ
સુરેન્દ્રનગર : પાટડી શહેરમાં કોન્ટ્રાક્ટબેઇઝ બે સફાઇ કામદારોના ગેળ ગળતરથી મોત મામલે હાથ ધરવામાં આવેલા પંચરોજ કામમાં તંત્ર દ્વારા છબરડો કરવામાં આવ્યો છે. પંચરોજકામમાં મૃતકોને સફાઇ કામદારને બદલે કોન્ટ્રાક્ટ સુપરવાઈઝર દર્શાવતા મૃતકના પરિવારે લેખિત રજૂઆત કરી રોજકામમાં સુધારો કરવાની માંગ કરી છે.
પાટડી શહેરમાં તા.૨૧મી જાન્યુઆરીએ એક સગીર તેમજ એક ૨૪ વર્ષીય કોન્ટ્રાક્ટબેઈઝ સફાઈ કામદારોનું ગેસ ગળતરથી મોત થયા હતા. આ બનાવમાં કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકોનો વિમો લેવામાં ન આવતા મૃતકના પરિવારજનોને રૂા.૩૦-૩૦ લાખનું વળતર પાલિકા તંત્ર દ્વારા સ્વભંડોળમાંથી આપવાની ફરજ પડી હતી. સહાયની રકમનો ચેક મૃતકના પરિવારજનોને આપ્યા બાદ પાટડી નગરપાલિકાના ઈન્ચાર્જ ઓફિસર, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમ દ્વારા મૃતકના ઘરે પંચરોજ કામ કરવામાં આવ્યું હતું જેમાં મૃતક જયેશ પાટડીયાને સફાઈ કર્મચારીની જગ્યાએ ગટરકામની જવાબદારી સંભાળતા કોન્ટ્રાક્ટ સુપરવાઈઝર તરીકેનો હોદ્દો દર્શાવવામાં આવતા મૃતકોના પરિવાર દ્વારા તપાસ અધિકારી, પ્રાંત અધિકારી અને ચીફ ઓફીસરને લેખિતત રજૂઆત કરી પંચ રોજકામમાં સુધારો કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પોલીસ દ્વારા હજુુ સુધી માત્ર કોન્ટ્રાક્ટરની જ ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચીફ ઓફીસર અને સેનેટરી ઈન્સ્પેકટર હજુ પણ પોલીસ પકડથી બહાર છે. ત્યારે આ બંને દોષિતોને પકડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.