પંચમહાલમાં પતંગની દોરીથી પાંચ વર્ષના બાળકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ
Panchmahal News: ગુજરાતમાં આજે દરેક લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. આ દરમિયાન પંચમહાલમાંથી પતંગની દોરીના કારણે પાંચ વર્ષના બાળકનું મોત થવાના સમાચાર સામે આવ્યા છે. પિતા સાથે ફુગ્ગા લેવા જતી વખતે પતંગની દોરીથી ગળું કપાતા બાળકનું મોત થયું છે. પોતાના વ્હાલસોયાના મૃત્યુથી પરિવાર માટે તહેવારનો દિવસ જ માતમમાં ફેરવાઈ ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થયું છે. કુણાલ નામનો બાળક પોતાના પિતા સાથે બાઇક પર ફુગ્ગા લેવા ગયો હતો. જ્યાં અચાનક એક પતંગની દોરી આડી આવતાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાં જ પિતા તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. તહેવાર ટાણે પોતાના પાંચ વર્ષના વ્હાલસોયાને ગુમાવવાના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, બાળકનું મોત કઈ દોરીથી થયું છે. જો ચાઇનીઝ દોરી હોવાનું જાણ થશે તો આ પ્રતિબંધિત દોરી ક્યાંથી આવી તે વિશે પણ તપાસ કરવામાં આવશે.