ભાજપે વધુ એક ખેલ પાડ્યો! આવતીકાલે અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે કોંગ્રેસના ડમી ઉમેદવાર
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ત્યારે થોડા દિવસો અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા પંચમહાલ લોકસભા બેઠકના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ આવતીકાલે (27 એપ્રિલ) ભાજપમાં જોડાશે. આમ, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારનો ખેલ પાડી દીધા બાદ હવે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પંચમહાલ બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ સહિતના કાર્યકરો આવતીકાલે અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા એક બાદ એક કોંગ્રેસ નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે.
પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપતા દુષ્યંતસિંહ નારાજ થયા હતા. નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે. દુષ્યંતસિંહ ચૌહાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળી ચૂક્યા છે.
પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચાર માટે ભાજપના સ્ટારપ્રચારક અમિત શાહ આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેરસભાને સંબોધશે. તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે.