VIDEO: ’મારી પાસે NOC છે...’, બનાસકાંઠાના શિક્ષિકાએ અમેરિકાથી વીડિયો જાહેર કરી કર્યો દાવો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
VIDEO: ’મારી પાસે NOC છે...’, બનાસકાંઠાના શિક્ષિકાએ અમેરિકાથી વીડિયો જાહેર કરી કર્યો દાવો 1 - image


Banaskantha Teacher Controversy : અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રૅકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થતાં શિક્ષિકા સામે આવી છે. પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ભાવનાબહેન પટેલે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે મેં અમેરિકા જતાં પહેલાં એનઓસી લીધેલી છે. મારી પાસે પુરાવા છે. 

આ પણ વાંચો : વાહ, તમારી સિસ્ટમ : બનાસકાંઠામાં શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં છતાંય પગાર ચાલુ, વર્ષે એક વખત ગુજરાત આવે

અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે. છતાં તેમનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહ્યું છે.  તેઓ વર્ષમાં એકાદ વાર હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવી રહ્યાના હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલાએ જોર પકડતાં તંત્ર સફાળું જાગી ઊઠ્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા. 

બનાસકાંઠા : 8 વર્ષથી અમેરિકામાં બેઠા-બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો, તપાસના આદેશ

ત્યારે હવે ભાવના પટેલે એક વીડિયો જાહેર કરી પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે, જ્યારે હું નીકળી ત્યારે જિલ્લા પંચાયતમાંથી એનઓસી લીધી છે. પછી અમેરિકાની પ્રોસેસ કરી હતી. વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલા માટે એ વખતે પણ એનઓસી લીધી છે. મેં બધી જગ્યાએ એનઓસી આપેલી છે. અને તેમ છતાં મારી પાસે તેના પુરાવા છે. તમે જાતે તપાસ કરી શકો અથવા હું જ્યારે ત્યાં આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ. 

શું કહ્યું પ્રિન્સિપાલે?

ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પારુલબહેન મહેતાના જણાવ્યાનુસાર, આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા  સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે 'આ બહેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી.' બાળકોના જણાવ્યાનુસાર, જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા નથી.

આ પણ વાંચો : લો હવે! દાંતા બાદ વાવની શાળામાં પણ 2 વર્ષથી શિક્ષક ગાયબ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોસે

ગેરહાજર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે

આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, વિદેશમાં રહેતાં તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતાં જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં 8 વર્ષથી ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ઉઘાડી પડતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 


Google NewsGoogle News