Get The App

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની 05 મહિના બાદ યોજાયેલ સામાન્ય સભા માત્ર પાંચ મીનીટમાં પુર્ણ કરી દેતા અનેક ચર્ચાઓ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની 05 મહિના બાદ યોજાયેલ સામાન્ય સભા માત્ર પાંચ મીનીટમાં પુર્ણ કરી દેતા અનેક ચર્ચાઓ 1 - image


- જીલ્લા પંચાયતના પ્રમુખે કાંઈપણ કહેવાનો ઈન્કાર કરી સભા પુર્ણ થયા બાદ ચાલતી પકડી

- વાર્ષિક ભાવના કામો, પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ સહિતના પ્રશ્નો અંગેની રજુઆતો સાંભળ્યા વગર જ સામાન્ય સભા પુર્ણ કરી દેવાઈ

- ભાજપ શાસીત જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ભાજપના જ સદ્દસ્યો અને ચેરમેનોની રજુઆત ન સાંભળતા રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા લાંબા સમય બાદ જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી પરંતુ આ સામાન્ય સભા ગણતરીની મીનીટોમાં જ પુરી કરી દેવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડયું છે અને હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને આ મામલે સ્થાનીક જીલ્લા પંચાયતના સદ્દસ્યો સહિત વિવિધ કમિટિના ચેરમેનોમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ સામાન્ય રીતે નિયમો મુજબ દર ત્રણ મહિને જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાતી હોય છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં જાણે નિયમોનું પાલન ન થતું હોવાની ચર્ચાઓએ જોર પકડયુું છે ત્યારે ત્રણ મહિનાને બદલે પાંચ મહિના બાદ જીલ્લા પંચાયત પ્રમુુખ હરિકૃષ્ણભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જે સભા માત્ર ગણતરીની મીનીટોમાં જ પુરી કરી દેવામાં આવતા ચર્ચાઓએ જોર પકડયું છે. અંદાજે બપોરના ૧-૦૦ વાગ્યે જીલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી પરંતુ માત્ર પાંચ જ મીનીટમાં સભા પુર્ણ કરી દેવામાં આવતા આ સભામાં કોઈપણ પ્રશ્નોત્તરી કે સમસ્યાઓ અંગે રજુઆત કરવાનો પણ મોકો આપવામાં આવ્યો નહોતો. જ્યારે જીલ્લા પંચાયત પ્રમુખે પણ સામાન્ય સભા સહિત વિવિધ પ્રશ્નો અંગે મીડીયા સમક્ષ કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને સભા પુર્ણ થયા બાદ ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા પંચાયત હસ્તકના અનેક કામોમાં ગેરરીતી અને હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનું તેમજ મોટાપાયે ભ્રષ્ટાચારની ભાજપના જ સભ્યો દ્વારા સામાન્ય સભામાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આ રજુઆત સાંભળ્યા વગર તેમજ ચર્ચા કર્યા વગર સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવતાં ક્યાંકને ક્યાંક ભાજપ શાસીત જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો સામે પણ રોષ જોવા મળ્યો હતો. આ સામાન્ય સભામાં વાર્ષિક ભાવના કામો, સીઆરએસઆરના કામો તેમજ પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ સહિતના પ્રશ્નો અંગે રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો જવાબ ટાળવા ઈરાદાપૂર્વક સામાન્ય સભા ગણતરીની મીનીટોમાં જ આટોપી લેવામાં આવી હતી ત્યારે આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ગેરરીતી અને કૌભાંડને લઈને નવા જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.


Google NewsGoogle News