PAN ૨.૦ અપગ્રેડ કરવાના બહાને બેન્ક એકાઉન્ટ ખાલી કરવાનો કીમિયો
કેન્દ્ર સરકારની પાન કાર્ડના નવા વર્ઝનની જાહેરાત સાથે જ લોકોને ફોન કરી સાયબર ક્રાઇમ કરવા ઠગ ટોળકી તૈયાર
વડોદરા, તા.8 સાયબર માફિયાઓ માટે લોકોને છેતરવા માટે નવું શસ્ત્ર હાથમાં આવ્યું છે PAN ૨.૦, નાણાંકિય વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પાન કાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ હવે લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે સક્રિય થઇ ગયા છે. હજી તો સરકાર દ્વારા પાન કાર્ડ ૨.૦ની માત્ર જાહેરાત કરાઇ છે તેનો અમલ થયો નથી અને તે પહેલાં જ સાયબર ગઠિયાઓ પાન કાર્ડના નવા વર્ઝનના નામે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કીમિયો અજમાવવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) નાણાંકિય વ્યવહારો માટે ફાળવી તે નંબરનું પાન કાર્ડ ઇસ્યૂ નાગરિકોને કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડમાં સુધારા કરવાનું નક્કી કરાયું છે અને પાન કાર્ડ ૨.૦ એટલે કે પાન કાર્ડનું નવું વર્ઝન અપડેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે મુજબ લોકોને હવે નવું પાન કાર્ડ મળશે તે બાર સ્કેનવાળું પણ હશે અને તેમાં પાન કાર્ડ હોલ્ડરના જૂના ડેટાનો પણ ઉલ્લેખ હશે.
કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડ ૨.૦ વર્ઝનની જાહેરાત સાથે જ સાયબર ઠગો સક્રિય થઇ ગયા છે. સાયબર ગઠિયાઓ પાસે પાન કાર્ડ તેમજ પાન કાર્ડ ધરાવતી વ્યક્તિના મોબાઇલ નંબરો આવી જાય છે અને તેઓ જે તે વ્યક્તિને ફોન કરી તમારું પાન કાર્ડ જૂનું થઇ ગયું છે અને હવે સરકાર અથવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું પાન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે તેમ કહી વિગતો માંગવામાં આવી રહી છે અને બાદમાં જો વિગતો આપી દીધી તો સમજી લો કે બેન્ક એકાઉન્ટ ખાલી થઇ જશે.
પાન કાર્ડના નવા વર્ઝનની જાહેરાત થતાં જ સાયબર ગઠિયાઓને બખ્ખા થઇ ગયા છે. સાયબર ફ્રોડ કરવાનું એક નવું સાધન મળી ગયું છે. સાયબર ક્રાઇમથી બહુ અજાણ હોય અથવા થોડી ગભરાતી હોય તેવી વ્યક્તિ તુરંત જ સાયબર ફ્રોડનો ભોગ બની જાય છે. હાલમાં તો પાન કાર્ડના નવા વર્ઝનના અપડેટ માટે એકલ દોકલ ફોન લોકોને આવતા થયા છે અને હજી સુધી કોઇ છેતરાયું હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી પરંતુ આગામી સમયમાં આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા દાખલા બહાર આવવા લાગશે.
પાન કાર્ડના નવા વર્ઝનના બહાને સાયબર ફ્રોડ થવા અંગે પોલીસ સહિત કેટલીક સરકારી એજન્સીઓએ છેતરપિંડીનો ભોગ ના બનવું પડે તે માટે વ્યક્તિગત રીતે જાગૃતિ ફેલાવવાનું શરૃ કરી દીધું છે. પાન કાર્ડના નવા વર્ઝનની સરકાર દ્વારા બીજી જાહેરાત સાથે જ સાયબર ગઠિયાઓ તૂટી પડશે તે નિશ્ચિત છે.
ફોન, મેસેજ કે ઇમેલ આવે તો કોઇ OTP આપવો નહી
પાન કાર્ડ અપગ્રેડના નામે સાયબર ભેજાબાજો દ્વારા આવતા કેટલાંક ફોનની વિગતો પોલીસ સમક્ષ આવતાં જ પોલીસ દ્વારા જાગૃતિ માટેના પ્રયત્નો શરૃ કરી દીધા છે. પોલીસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નવું અપડેટ પાનકાર્ડ ડાયરેક્ટ તમારા સરનામા પર જ મોકલશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ખાસ ધ્યાન રાખજો કે પાન કાર્ડ અપડેશન માટે કોઇપણ પ્રકારનો ફોન, મેસેજ કે ઇમેલ આવે તો જવાબ કે કોઇ માહિતી અથવા ઓટીપી ના આપશો, પાન કાર્ડ અપગ્રેડ માટે તમારે કશું જ કરવાનું નથી.
પાન કાર્ડ અપગ્રેડના નામે ઠગાઇ રોકવા સિનિયર સિટિઝનો જાગૃતિ ફેલાવવા લાગ્યા
પાન કાર્ડ ૨.૦ નવા વર્ઝનના કારણે સાયબર ફ્રોડ થવાની શક્યતા છે. સાયબર ગઠિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝનોને પ્રથમ ભોગ બનાવે તેવી વધારે શક્યતા હોવાથી કેટલીક સિનિયર સિટિઝન ક્લબો દ્વારા આ અંગે જાગૃતિ માટેનો પ્રચાર પણ શરૃ કરી દેવામાં આવ્યો છે. ભારત સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન ૨.૦ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને આ પાન ૨.૦ના નામથી જ સાયબર ફ્રોડ થવાની શક્યતા છે જેથી સાવધાની રાખવી જરૃરી છે તેવા મેસેજો સિનિયર સિટિઝનોએ એકબીજાના મોબાઇલમાં ફોરવર્ડ કરવા લાગ્યા છે.
આઇટી અધિકારી, બેંક ઓફિસર અથવા એજન્ટના નામે ગઠિયાઓ એક્ટિવ
પાન કાર્ડને નવા વર્ઝનમાં અપગ્રેડ કરવા માટે જો કોઇ મેસેજ આવે તો સાયબર ગઠિયાઓ ફોન કરીને એક લિન્ક મોકલશે આ લિન્ક પર ક્લિક કરશો નહી તેવી સલાહ લોકોને આપવામાં આવી રહી છે. સાયબર ગઠિયાઓ બેંકના નામે ફોન કરશે, આઇટી અધિકારી બની ફોન કરશે અથવા એજન્ટ તરીકે ફોન કરીને પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે લિન્ક મોકલશે અથવા ઓટીપી માંગશે. બધા ગઠિયાઓ એક જ વાત કરશે કે સરકારે જૂનું પાનકાર્ડ બંધ કરી દીધું છે કહીને લિન્ક મેળવશે અથવા નામ, સરનામું, આધાર નંબર, બેન્ક એકાઉન્ટની વિગતો વગેરે માંગશે. જો માહિતી આપી તો બેન્કમાં જમા કરેલી બચત ખાલી થવાની સંભાવના છે.