130 કરોડનું ફલેકું ફેરવનારા પાલનપુરની સ્ટારવે ટેક કૌભાંડના મુખ્ય આરોપીની નિરંજનની ધરપકડ
MLM Pyramid Scheme: પાલનપુરમાં નાવ સ્ટારવે ટેક ઈન્ડિયા મેનેજમેન્ટ નામની કંપનીની ઓફિસ શરૂ કરીને મલ્ટી લેવલ માર્કેટીંગ અને પીરામીડ સ્કીમમાં રોકાણની સામે 70 દિવસ અને 200 દિવસમાં નાણાં બમણાં કરી આપવાની સ્કીમ લોંચ કરીને 130 કરોડથી વધારેની રકમ ઉઘરાવીને છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે કંપનીના ડાયરેક્ટર નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે. આરોપીએ ગુજરાતના મોટા શહેરો, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરીને 16 હજારથી વઘુ રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે વઘુ તપાસ હાથ ધરી છે.
પૈસા ડબલ કરી આપવાની સ્કીમ લોન્ચ કરી
પાલનપુરમાં નાવ સ્ટાર વે ટેક ઈન્ડિયા મેનેજમેન્ટ નામની કંપની આરઓસીમાં રજીસ્ટર્ડ કરીને વિવિધ પ્રોજેક્ટમાં રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરવાનું કૌભાડ ઝડપાયું હતું. જેમાં કંપનીના ડાયરેક્ટર નિરંજન શ્રીમાળીને સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. તેણે રોકાણની સામે પ્રતિદિન એક ટકાનું વળતર, તેમજ 200 દિવસમાં મુડી બમણી કરી આપવાની અને તે પહેલા 70 દિવસમાં બમણા નાણાં આપવાની સ્કીમ લોંચ કરીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો: National Girl Child Day: દત્તક લેવામાં 60%થી વધુ માતા-પિતાની પહેલી પસંદ દીકરી
નિરંજન શ્રીમાળીએ ત્રણ અલગ અલગ કંપનીઓ બનાવીને ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં તેમજ રાજસ્થાનના બાંસવાડા, પાલી, ઉદેપુર અને બાંસવાડામાં નાની ઓફિસ શરૂ કરીને હતી. આ ઉપરાત મહારાષ્ટ્રમાં પણ તેણે કેટલાંક શહેરોમાં રોકાણકારોને છેતર્યા હતા. સીઆઇડી ક્રાઇમને સમગ્ર કેસની તપાસ દરમિયાન એવી પણ વિગતો જાણવા મળી હતી કે તેણે મલ્ટી લેવલ માર્કેટીંગ અને પીરામીડ સ્કીમમાં લોકો છેતરવા માટે મોટાપાયે સેમીનાર પણ યોજ્યા હતા. સાથેસાથે એજન્ટોને કાર, આઇફોન જેવી ભેટ આપી હતી.
સીઆઇડી ક્રાઇમે સમગ્ર કેસની તપાસ કરી ત્યારે વેબસાઇટ પરના ડેટા મુજબ 16 હજાર રોકાણકારો પાસેથી કુલ 130 કરોડ રૂપિયા એકઠા કરાયા હતા. જે પૈકી 87 કરોડ રૂપિયા પરત કર્યા નહોતા. જો કે સમગ્ર છેતરપિંડીનો આંક 200 કરોડ ઉપરાંતનો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ત્યારે હવે મુખ્ય આરોપીની ધરપકડ થતા વઘુ વિગતો બહાર આવશે. આ અંગે આ સીઆઇડી ક્રાઇમે નિરંજન શ્રીમાળીના રિમાન્ડ મેળવીને વઘુ તપાસ શરૂ કરી છે.