છોટા ઉદેપુરમાં રહેતી મહિલાને ત્રણ સંતાનો છોડી પાકિસ્તાન જવાનો વારો આવ્યો, 20 વર્ષ પહેલા થયા હતા લગ્ન
Chhota Udaipur News : ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતાં 1000થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ, પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે સરકારે આદેશ કર્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના યુવક સાથે પાકિસ્તાનની એક યુવતીએ લગ્ન કર્યા હતા, જેમને ત્રણ સંતાનો છે. તેમનું કહેવું છે કે, 'છેલ્લા 20 વર્ષથી ભારતનું નાગરિકત્વ મળતું નથી અને દર બે વર્ષે વિઝા આપવામાં આવે છે.' સમગ્ર મામલે પોલીસ દ્વારા આ પરિવારની તમામ વિગતો મેળવી રહી છે.
પાકિસ્તાની મહિલાએ 20 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના નસવાડીમાં રહેતા નગમાન ગફારભાઈ મેમણ વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ પાકિસ્તાનના કરાચીની બુશરાબાનુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. હાલ તેમને બે દીકરી અને એક દીકરો છે. નગમાન અને તેમનો પરિવાર હૈદરાબાદ ખાતે રહેતા હતા, ત્યારે પત્નીના ભારતીય વિઝા મેળવવા માટે પતિએ અરજી કર્યા છતાં ભારતીય વિઝા મળ્યા ન હતા. આમ પાકિસ્તાની મહિલાને છેલ્લા 20 વર્ષથી ભારતીય વિઝા મળ્યા ન હતા. જો કે, પાકિસ્તાની મહિલાને ભારતીય એમ્બેસીએ બે વર્ષના વિઝા આપ્યા હતા.
જ્યારે આ પછી દંપતી હૈદરાબાદ છોડીને છોટાઉદેપુરના નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ દરમિયાન સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરાય છે, ત્યારે પોલીસ તંત્ર મહિલાની શોધખોળ કરીને માહિતી મેળવી રહી છે. તેવામાં વહીવટી તંત્ર પણ સરકારના આદેશની રાહ જોઈ રહી છે.
સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલ્યો છે. જ્યારે જો મહિલાને પાકિસ્તાન મોકલવામાં આવે તો ભારતીય નાગરિત્વ ધરાવતા તેમના ત્રણ સંતાનોને મુકીને જવાની સ્થિતિ ઊભી થતાં પરિવાર મૂંઝવણમાં મુકાયું છે.