પાકિસ્તાને તેની એરસ્પેસ ભારત માટે બંધ કરતા રાજકોટ એરપોર્ટને 24 કલાક ખુલ્લુ રાખવા નિર્ણય
દિલ્હીથી દુબઈ જવા ફ્લાઈટનો રૂટ બદલાયો, સૌરાષ્ટ્ર પરથી પસાર થશે,સ્ટોપ ઓવર માટે હીરાસર એરપોર્ટ રાત્રિના ખુલ્લુ
રાજકોટ, : કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી હુમલાના પગલે ભારતે સિંધુ જળ કરાર રદ કરવા સહિત અનેક પગલા લેતા પાકિસ્તાને તેના એરસ્પેસને ભારતીય ફ્લાઈટ માટે બંધ કરી દેતા તેના પગલે ફ્લાઈટના રૂટ બદલાયા છે જે અન્વયે રાજકોટ હીરાસર એરપોર્ટને ચોવીસ કલાક ખુલ્લુ રાખવા નિર્ણય લેવાયાનું વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.
હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે અને તે રીતે તેનું નિર્માણ કરાયું છે પરંતુ, એરપોર્ટ સત્તાવાળાઓએ હજુ સુધી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરી નથી. પરંતુ, પ્રાપ્ત વિગત અનુસાર હવે દુબઈ જવા માટે લાહોર-કરાંચીનો ટૂંકો રૂટ બંધ થતા દુબઈ, ઓમાન,શાહજગાં સહિત સ્થળોએ દિલ્હીથી જતી ફ્લાઈટ રાજસ્થાન-પાકિસ્તાન ઉપરથી થઈને બદલે ગુજરાત પરથી અરબી સમુદ્રમાં થઈને પસાર થશે. આ રૂટ થોડો લાંબો હોય ફ્લાઈટનું ભાડુ પણ વધવાની શક્યતા છે. આ અન્વયે લાંબા અંતરની ફ્લાઈટને ગમે ત્યારે ઉતરાણ કરવાનું થાય તે અન્વયે રાજકોટ એરપોર્ટને ચોવીસ કલાક ખુલ્લુ અને લેન્ડીંગ-ટેકઓફ માટે સજ્જ રાખવા એરપોર્ટ સત્તાધીશોને સૂચના અપાઈ છે. આ માટે એરપોર્ટમાં પુરતો સ્ટાફ પણ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે દુબઈ વગેરે સ્થળોથી રાજકોટ આવવા માટે મુંબઈ થઈને ત્યાંથી ફ્લાઈટ બદલીને આવવું પડતું રહ્યું છે, કારણ કે રાજકોટને હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ એરપોર્ટ સત્તાવાળાઓ અપાવી શક્યા નથી.