રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે, પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
Rajkot News : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાને લઈને ઠોશ નિર્ણયો લીધા છે. પાકિસ્તાને પણ કેટલાક ભારત વિરોધી પગલાં લીધા છે. આ દરમિયાન ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે.
રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત રહેશે
જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે હવે દિલ્હી એરપોર્ટ અને એર ઇન્ડિયા પર સૌથી વધુ અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈને ગુજરાતના રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત કરવાની પરવાનગી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું હોવાથી ભારતીય એરલાઇન્સે ટાઈમ ટેબલ અનુસરવા અને રદ કરવાને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત: જુઓ કયા જિલ્લામાંથી કેટલા
સમગ્ર મામલે રાજકોટના કલેક્ટરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન એરસ્પેસ બંધ થતાં અમુક ખાનગી એર લાઇન્સ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી. જેને લઈને ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે.'