બે આતંકીને જોયા હતા, એકની ટોપીમાં કેમેરો હતો: નક્ષ, શું આતંકીઓ હુમલાનું રેકોર્ડિંગ કે લાઇવ કરતા હતા?
Pahalgam Terrorist Attack : કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. ત્યારે આતંકવાદમાં પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકે કહ્યું કે 'ત્રણ વખત કલમા અને મુસલમાન બોલી હિન્દુઓને ગોળી મારી દીધી હતી'. આ ઉપરાંત જે આતંકવાદીને જોયો છે તેમાંથી એકની દાઢી મોટી હતી અને ટોપી પહેરી હતી તેમાં કેમેરો પણ હતો.
23 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાએ જીવ ગુમાવ્યો છે તેમનો પાર્થિવ દેહ આજે સુરત લાવવામા આવ્યો હતો. ત્યારે તેની પત્નીએ કેન્દ્રીય મંત્રીની સામે જ સરકારની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આ આતંકી હુમલામાં પિતા ગુમાવનારા નાનકડા નક્ષ કળથિયાએ આતંકવાદી હુમલા વખતે શું થયું હતું તેનો ચિતાર આપતાં કહ્યું હતું કે, 'કાશ્મીર ઘણું સારું છે અમે પહેલગામ ગયા હતા, ઘોડાથી ગયા હતા. 10થી 15 મિનિટમાં આતંકવાદીઓ આવી ગયા હતા.'
ત્યારે અમે ભાગી ગયા અને સંતાઈ ગયા હતા. પરંતુ આતંકવાદીઓએ બધાને શોધી કાઢ્યા હતા. મેં બે આતંકીઓને જોયા હતા. એકે એવું કહ્યું હતું કે મુસલમાન અને હિન્દુ જેન્ટ્સ અલગ થઈ જાય અને ત્યારપછી હિન્દુવાળા જે જેન્ટ્સ હતા તેમને ગોળી મારી દેવામાં આવી હતી. ત્યારબાદ તેઓ અચાનક ચાલ્યા ગયા હતા. ત્યારે જે બચ્યા તેમણે બૂમો પાડી કે 'નીચે ભાગો' અને અમે ભાગ્યા હતા.
આ પણ વાંચો: 'કાશ્મીર નહીં પણ સરકાર-સિક્યોરિટી સામે વાંધો...', આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથીયાની પત્નીની વ્યથા
મારી મમ્મી અને દીદી ઉતરીને આવ્યા હતા અને મને ઘોડા પર બેસાડ્યો હતો. હું ઘોડા પર નીચે આવ્યો હતો. જોકે, આ હુમલો થયો ત્યારે મને એવું લાગ્યું હતું કે આજે તો ગયા... બચીશું નહીં, પરંતુ અમે બચી ગયા. મમ્મી તો પપ્પાને છોડી આવી ન હતી અને અમે બે આવી ગયા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે આતંકવાદીઓ કલમા કલમા બોલી રહ્યા હતા. આ આતંકવાદીઓ ત્રણ વાર કલમા બોલ્યા અને ત્રણ વાર મુસલમાન બોલ્યા હતા.