પહલગામમાં દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી અને અમરેલીનો પરિવાર બચી ગયો, કાર ડ્રાઈવર પગે લાગ્યો
Pahalgam Terror Attack: પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને તેમનો ધર્મ પૂછીને હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં ત્રણ ગુજરાતીઓના પણ મોત નિપજ્યા હતાં. જોકે, મળતી માહિતી મુજબ, આ સિવાય પણ એક ગુજરાતી પાઠક પરિવાર પણ પહલગામ હતો. પરંતુ, પોતાની દીકરીના કારણે આ પરિવારનો જીવ બચ્યો હતો.
આ પણ વાંચોઃ પરિવારને ભેટીને રડી પડ્યા: પહલગામથી 17 લોકો ભાવનગર પરત ફરતા સર્જાયા ભાવુક દ્રશ્યો
શું હતી ઘટના?
અમરેલીના કિરીટ પાઠક પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલાના સમયે તે પોતાની પત્ની અને દીકરી સાથે પહલગામ જ હતાં. કિરીટ પાઠક સાવરકુંડલામાં મામલતદાર તરીકે ફરજ નિભાવે છે. વેકેશન હોવાના કારણે કિરીટ પાઠક અને તેમની પત્ની ક્રિષ્ના પાઠક પાંચ વર્ષની દીકરી સાથે કાશ્મીર ફરવા ગયા હતાં. તેઓ આતંકવાદી હુમલાના સમયે પહલગામ જ હતાં. કાશ્મીરનો મુસ્લિમ કાર ડ્રાઇવર પાઠક પરિવારને બેસરન વેલીમાં સ્થળ પર લઈ જવા નીકળ્યો હતો. બેસરન મેદાન પાંચ કિલોમીટર ઊંચાઈએ હોવાથી ત્યાં ઘોડા પર બેસીને જવું પડે છે. પાઠક પરિવાર ઘોડા પર બેસીને જવાની તૈયારી શરૂ કરી પરંતુ, તેમની પાંચ વર્ષની દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી હતી. માતા-પિતાએ સમજાવ્યું તેમ છતાં દીકરી ઘોડા પર બેસવાની ના પાડતી હતી તેથી, પિતાએ દીકરીનું માન રાખ્યું અને ત્યાં જવાનું માંડી વાળ્યું.
મુસ્લિમ ડ્રાઇવરે પાંચ વર્ષની દીકરીને પગે લાગી માન્યો આભાર
દીકરીના નિર્ણય બાદ જેવું ત્યાં જવાનો નિર્ણય બદલ્યો તેની થોડીવાર બાદ સેનાના જવાનો કાદવથી ખરડાયેલી કેટલીક મહિલાઓને લઈને નીકળી રહ્યા હતાં. પરિવારને થોડું અજીબ લાગ્યું. બાદમાં તપાસ કરતા ડ્રાઇવરે જણાવ્યું કે, ઉપર આતંકવાદી હુમલો થયો છે. જોકે, દીકરીના ના પાડવાના કારણે તમામના જીવ બચી જતાં ડ્રાઇવરે પાંચ વર્ષની દીકરીને પગે લાગી તેનો આભાર માન્યો હતો.