26 જાન્યુઆરીએ કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખી રજૂ કરાશે, જાણો કેવી હશે થીમ
Republic Day Gujarat Theme : “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા 76-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ રહી છે, ત્યારે ગુજરાતની ઝાંખીમાં વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે.
ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ’ છે; તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દર્શાવવામાં આવી છે. જેમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે.
ગુજરાતના ‘જનજાતીય ગૌરવ’ને દર્શાવતી પિથોરા ચિત્રોની શ્રુંખલા, સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી રહ્યા છે.
ગુજરાતની ઝાંખીના આગળના ભાગમાં ‘યુનેસ્કો’ની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર હાલના વડનગર સ્થિત 12-મી સદીનું સોલંકીકાળનું ‘કીર્તિ તોરણ’ દર્શાવવામાં આવ્યું છે. જેની ફરતે કચ્છી માટી-આભલાની કલાકૃતિની સાથે જનજાતીય દેવ ‘બાબા પિથોરા’ની સ્મૃતિમાં રેખાંકિત થયેલા ‘પિથોરા ચિત્રો’’ની શ્રુંખલા દર્શાવવામાં આવી છે.
આ ઝાંખીમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના પ્રકલ્પો પૈકી ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ’, સેમી કંડકટર ચીપ અને તેની નીચે ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે.
આ ઝાંખીના અંતિમ ભાગમાં વિશ્વની 182 મીટર ઊંચી પ્રતિમા-‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દર્શાવવામાં આવ્યું છે. જેની નીચેના ભાગમાં જગતમંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના મણીયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો છે.
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 76-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.