વિશાલાથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે, 2027 સુધીમાં પૂર્ણ થશે કામગીરી
Vishala Circle to Sarkhej Chowkdi Over bridge : અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે રૂ. 1295.39 કરોડના કામની 11 માર્ચ 2024એ મંજૂરી આપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ 10.63 કિ.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જે આ બ્રીજ બનવાથી ઓછી થશે.
વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ 16 લેન સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે.