Get The App

લીંબડી તાલુકાના શિક્ષક સામે ઉચાપતની ફરિયાદ છતાં આચાર્યનો ચાર્જ સોંપતા વિવાદ

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
લીંબડી તાલુકાના શિક્ષક સામે ઉચાપતની ફરિયાદ છતાં આચાર્યનો ચાર્જ સોંપતા વિવાદ 1 - image


- અધિકારીઓ શિક્ષકને છાવરતા હોવાની ફરિયાદ ઉઠી

- રળોલની કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો સામે ગેરવર્તન કરતા બદલી: કડક કાર્યવાહી કરવા માંગ

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આવેલ પે-સેન્ટર શાળા નં.૭ના તત્કાલીન આચાર્ય સામે આજ શાળામાં ફરજ બજાવતા શિક્ષકે વર્ષ ૨૦૧૮માં લીંબડી પોલીસ મથકે બે મહિનાનો પગાર નહિં ચુકવી તે રકમ શાળાના ખાતામાંથી ઉપાડી લઈ અંગત ઉપયોગ કરી ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેમ છતાંય શિક્ષણ વિભાગ આ શિક્ષકને છાવરી યોગ્ય પગલા ન ભરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

હાલ લીંબડી તાલુકાની રળોલ કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક હાર્દિકસિંહ ડી. ઝાલાએ વર્ષ ૨૦૧૭માં તત્કાલીન લીંબડી પે-સેન્ટર શાળા નં.૭માં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન આ શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણને મળવાપાત્ર બે મહિનાના પગારની કુલ રકમ ૮૦,૩૭૨ શિક્ષકના ખાતામાં જમા કરાવવાને બદલે શાળાના ખાતામાં આ રકમ જમા રાખી હતી અને ત્યારબાદ પોતાના અંગત ઉપયોગમાં લીધી હતી. જે અંગે ભોગ બનનાર શિક્ષકે વર્ષ ૨૦૧૮મા લીંબડી પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે ઢીલી નીતી રાખવામાં આવી હતી અને અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હતી. પરંતુ લાગવગશાહીના કારણે હાલ લીંબડીના રળોલ ખાતે આવેલ કન્યા શાળામાં હાર્દિકસિંહ ઝાલાની બદલી કરવામાં આવી છે અને બદલી થયા બાદ અગાઉની જેમ જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વર્તન કરી રહ્યાં હતા જે અંગે ગ્રામજનો સહિત આગેવાનોએ રજુઆત કરી શિક્ષકની ત્યાંથી પણ બદલી કરાવી નાંખી છે. જ્યારે બીજી બાજુ શિક્ષક સામે લીંબડી કોર્ટમાં ઉચ્ચાપત અંગેનો કેસ ચાલી રહ્યો હોવા છતાં આચાર્ય તરીકે ફરજ સોંપવામાં આવે છે ત્યારે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં અને સસ્પેન્ડ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News