ગોંડલના ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે 4500 થી વધુ પાનાંનું ચાર્જશીટ
જૂનાગઢના યુવાનનાં અપહરણ, હુમલાના કેસમાં બનાવના બે માસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી : પુરાવાના નાશની કલમનો કરાયો ઉમેરો
જૂનાગઢ, : જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખુની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા સહિતના 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ કરી હતી. જેમાં પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. બે માસમાં તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે 4500થી વધુ પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે.
ગત તા. 29 મેના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો. આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 5 જૂનના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઇકોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસને જેલમાં જઈ પૂછપરછ કરવા મંજૂરી આપી હતી. ગણેશ જાડેજા સહિતનાઓના જામીન ના મંજૂર થયા હતા. હવે હાઇકોર્ટમાં આગામી તા. 7ના જામીન અંગે સુનાવણી થનાર છે.
જૂનાગઢ પોલીસે બે માસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી છે અને ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે 4500થી વધુ પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે. ધાંધલ્યાએ જણાવ્યું હતું કે હથિયાર મળ્યું નથી. ફરિયાદમાં હથિયાર બતાવી નગ્ન કરી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી હથિયાર મળ્યું નથી. આથી પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.