સુરતના 12,600 થી વધુ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ થઈ શકે છે રદ, ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી
Surat Traffic Police : સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે હવે તવાઈ આવશે. શહેરના 12,600 કરતાં વધારે વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને રિપોર્ટ કર્યો છે.
12,000થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ થઈ શકે છે
મળતી માહિતી અનુસાર, સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં જે લોકોએ અનેક વખત ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે, તેનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 100થી વધુ ઈ-ચલણ જે વાહન ચાલકોના આવ્યા છે, તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાનો આરટીઓને રિપોર્ટ કર્યો છે. જેમાંથી 12,613 વાહન ચાલકોના લાયસન્સ રદ થઈ શકે છે.
ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાની સંખ્યા 15 હજારથી વધુ
સુરત શહેરમાં 5 કરતાં વધારે વખત ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તેમજ ઈ-ચલણ મેળવનારા લોકોની સંખ્યા 15,000થી પણ વધારે છે. જ્યારે છેલ્લા 8 મહિનામાં 583 વાહનના લાયસન્સ પૈકી 60થી વધુ લાયસન્સ 7 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના વાહન ચાલકોના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. તો હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 180 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.