આઉટસોર્સિંગ આધારિત યુનિ.નો વહીવટ ગ્રંથપાલ સહિત વધુ 5 કર્મી 30મીએ નિવૃત્ત
કાયમી વહીવટી કર્મચારીઓ એક સમયે 350 હતા આજે માત્ર 80થી 85 : કુલપતિની કાયમી નિમણૂક થતી નહી હોવાને લીધે વહીવટી કર્મચારીઓની નિમણૂકમાં થતો વિલંબ : વર્ષો અગાઉની અરજીઓનાં પોટલા અભેરાઈએથી ઉતર્યા નથી
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં નોનટીચીંગ સ્ટાફની નિમણુંક માટે અરજીઓ મંગાવી અભેરાીએ ચડાવી દેવાની નીતિને કારણે એકસમયે જે જયાં 350 થી વધુ કાયમી કર્મચારીઓ યુનિ.નો વહીવટ સંભાળતા હતા ત્યાં આજે માંડ 90 કાયમી કર્મચારીઓ રહ્યાં છે. 300 જેટલા આઉટ સોર્સીંગ કર્મચારીઓના ભરોસે યુનિ.નો વહીવટ ચાલતો રહ્યો છે. આગામી તા. 30 ઓકટો.નાં યુનિ.નાં ગ્રંથપાલસહિત વધુ પાંચ કર્મચારીઓ વય મર્યાદાને લીધે નિવૃત્ત થશે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તાજેતરમાં કાયમી રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની ખાલી જગ્યા ભરવા માટે જે અરજીઓ મંગાવવામાં આવી છે તેની મુદત પુરી થતા આ બન્ને જગ્યા માટે કુલ 22 અરજીઓ મળી હોવાનું જાણવા મળે છે. અલબત નવી નિમણુંક માટે ઈન્ટરવ્યુ કયારે ગોઠવાશે તે આજ સુધી નિશ્ચિત નથી. દરમિયાન તા. 30 ઓકટોબરનાં જે કર્મચારીઓ વયમર્યાદાને લીધે નિવૃત્ત થઈ રહ્યાં છે તેમાં યુનિ.નાં ગ્રંથપાલ ઓડીટ વિભાગનાં જૂનીઅર સુપ્રિન્ટેડન્ટ, શારીરિક શિક્ષણ વિભાગનાં સીનીયર આસીસ્ટન્ટ અને નાયકનો સમાવેશ થાય છે. નોનટીચીંગની ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી લાંબા સમયથી પેન્ડીંગ હોવાને લીધે મોટા ભાગનાં ભવનોમાં વહીવટી કર્મચારીઓની ખેંચ રહે છે. યુનિ.નાં મેઈન બિલ્ડિંગમાં વહીવટી કર્મચારીઓનાં અભાવે એક-એક કર્મચારીને બબ્બે ત્રણ ત્રણ કામગીરીનો હવાલો સોંપવામાં આવ્યો છે. રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક જેવી જગ્યા ઉપર પણ કાયમી અધિકારી નહી હોવાને લીધે યુનિ.નાં વહીવટ ઉપર વિપરીત અસર પડી રહી છે. 10 કે 12 વર્ષ પહેલાં વહીવટી કર્મચારીઓની કાયમી નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ આજ સુધી નોનટીચીંગ કર્મચારીઓની નવી નિમણુંક નહી થતાં મોટભાગનાં વિભાગોમાં ખાલી જગ્યાનું પ્રમાણ ઉતરોતર વધતું રહ્યું છે. કાયમી કુલપતિની નિમણુંકનાં અભાવે વહીવટી કર્મચારીઓની નવી નિમણુંકનો પ્રશ્ન ગંભીર બન ી રહ્યો હોવાનું જાણવા મળે છે.