રાજુલાની સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીઓની હડતાલ, રોષભેર સૂત્રોચ્ચાર
ખાનગી કોન્ટ્રક્ટર એજન્સી પર કર્યા ગંભીર આક્ષેપ
ખાનગી કોન્ટ્રક્ટર દ્વારા કર્મચારીઓ પાસેથી પૈસા પડાવાતા હોવાની ઓડિયો ક્લિપને પૂરાવા તરીકે રજૂ કરીને પગલાં ભરવા માગણી
રાજુલામાં સરકારી હોસ્પિટલના આઉટસોર્સના કર્મચારીઓએ આજે
ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી સામે મોરચો માંડયો હતો અને કેટલીક નીતિઓને લઈને વિરોધ
નોંધાવ્યો હતો. આજે એક દિવસ માટે ૪૦ જેટલા આઉટસોર્સના કર્મચારીઓએ સરકારી
હોસ્પિટલના પટ્ટાગણમાં જ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એલ.ઓ.સી. ઈન્વેટેશન એન્ડ
સિક્યુરિટી સવસ એજન્સી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી રોષ વ્યક્ત કર્યો હતો. એક સાથે
તમામ આઉટ સોર્સીંગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.
આ ઉપરાંત કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા કર્મચારીઓ પાસેથી હપ્તો માંગવામાં
આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ ઓડિયો કલીપ પણ જાહેર કરવામાં આવી હતી.
અહીં આઉટસોર્સ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ એક દિવસ માટે
હડતાલ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે,
કોન્ટ્રાકટરને વાષક હપ્તો નહિ આપતા ૫ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.
તેમને ફરી સમાવેશ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ઉચ્ચારવામાં આવી હતી. આ સાથે ખાનગી કોન્ટ્રકટર દ્વારા કર્મચારીઓ પાસેથી પૈસા
પડાવાતા હોવાની ઓડિયો ક્લિપને પુરાવા તરીકે રજૂ કરીને પગલા ભરવા માગણી પણ કરાઈ
હતી. આમ, રાજુલા
જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ હડતાળ પર બેસી જતા સામાજિક આગેવાનોએ આંદોલન છાવણીની
મુલાકાત લીધી હતી તેમજ રાજુલા પોલીસ પણ દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં
આવ્યો હતો.
આજે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટર એજન્સી વાળા વેરિફિકેશનના બહાને અમદાવાદ બોલાવે છે અને પછી વેરિફિકેશન દરમિયાન કેટલાક કાગળિયા નથી તેમ કહીને રૃપિયા માંગવામાં આવે છે. ખાનગીમાં એક-એકને બોલાવી પૈસા માંગે છે. કોઈ પહોંચ પણ આપતા નથી. પૈસા પાછા આપશો તેવું અમે પૂછયે તો એવું કહે મેં લીધા નથી અને તમે આપ્યા નથી, એવું કહેવાનું છે. અત્યારે બીજી વાર બીજું વર્ષ અત્યારે ચાલુ થયું તો અત્યારે ફરીથી બધાને આવી રીતે બોલાવે છે અને પૈસા ન આપ્યે તો આ રીતે કોઈ બહાના કાઢી સસ્પેન્ડ કરી દે છે. જેથી આ રીતે છુટા ન કરી શકે કાયમી અમને રાખે, એવી અમારી માંગણી છે.