રાણપુર તાલુકાના 15 ગામોના ખેડૂતોમાં પિયત મુદે આક્રોશ, આંદોલનની ચિમકી
- ખેડૂત આગેવાનોની વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય
- પેટા કેનાલોના કામ 15 થી 17 વર્ષથી પૂર્ણ થયા નથી, 8 હજાર હેકટર જમીનને પિયત માટે પાણી મળતુ નથી
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામના પાદરમાંથી નિકળતી લીમડી, નર્મદા પેટા વિભાગની આઈડી માયનોર ૧૦ કેનાલ છેલ્લા ૧૫ થી ૧૭ વર્ષથી અધૂરી છે. કામ પુરુ કરવામાં આવ્યુ નહિ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામેલ છે. જેના કારણે કેનાલ સાથે જોડાયેલા ૧૫ ગામોના ખેડૂતોની આઠ હજાર હેકટર જમીનને પિયતનું પાણી મળતુ નથી.આ અંગે વારંવાર ખેડૂતો અને આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવી હોવાનુુ બહાર આવ્યુ છે. રાણપુર, કિનારા, માલણપુર, હડમતાળા, બોડીયા, નાગનેશ, બરાનીયા, દેવળીયા, પાટણા, દેવગાણા, સુુંદરીયાણા સહિતના ગામોના ખેડૂતો રોષે ભરાયા છે. અને નર્મદા કેનાલના માર્ગ પર જઈને દેખાવો કરાયા હતા. ખેડૂતોએ ચિમકી આપી છે કે, જો હવે નર્મદા નિગમ દ્વારા કેનાલોના કામા શરૂ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ફરજ પડશે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની લીમડી પેટા કેનાલનો હવાલો સંભાળતા નર્મદા નિગમના ચિફ એન્જીનીયર, એસ.ઈ. કાર્યપાલક ઈજનેરો, ડેપ્યુટી એન્જીનીયરો ૧૫ થી ૧૭ વર્ષથી શુ કરે છે એ પ્રશ્ન ઉઠવા પામ્યો છે. રાજય સરકારની પ્રતિષ્ઠાભરી નર્મદા કેનાલની યોજના પર જવાબદાર ઈજનેરોએ ધ્યાન આપ્યુ નથી. જેના કારણે જગતનો તાત પિયત પાણી મેળવી શકતો નથી.