Get The App

આગ ઝરતી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે : ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનને રીફલેક્ટીવ જેકેટ પહેરવાના આદેશથી રોષ

Updated: Jun 8th, 2021


Google NewsGoogle News
આગ ઝરતી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે : ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનને રીફલેક્ટીવ જેકેટ પહેરવાના આદેશથી રોષ 1 - image


- જેકેટ નહીં પહેરો તો શિસ્ત ભંગના પગલાની ચીમકીઃ દિવસે જેકેટ પહેરવાથી રોડ પર ઉભા રહેવું પણ કપરૂઃ રાત્રે પહેરવાનું હોય તો યોગ્ય

સુરત
સુરત શહેરના ટ્રાફિક નિયમન માટે તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો છેલ્લા કેટલાક દિવસોથી રીફલેક્ટીવ જેકેટમાં નજરે પડી રહ્યા છે. પરંતુ આકાશમાંથી આગ ઝરતી ગરમી અને અસહ્ય બફારાના કારણે સામાન્ય પણે રાત્રે પહેરવામાં આવતું રીફલેક્ટીવ જેકેટ દિવસના પહેરવાના મનસ્વી આદેશને પગલે પોલીસ અને ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક શાખાના પોલીસ જવાનો અને ટ્રાફિક નિયમન માટે મદદરૂપ થતા ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનોને રીફલેક્ટીવ જેકેટ ફાળવવામાં આવ્યા છે. સામાન્ય પણે રાત્રિ દરમિયાન પહેરવાના રીફલેક્ટીવ જેકેટ ભર દિવસે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનને પહેરવા માટે આદેશ આપવામાં આવતા કચવાટ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોના મતે આકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી હોવાથી અઅસહ્ય બફારો અનુભવાય રહ્યો છે. તેવા સંજોગોમાં રીફલેક્ટીવ જેકેટ પહેરી જાહેર રસ્તા કઇ રીતે ફરજ બજાવવી ? રીફલેક્ટીવ જેકેટ પહેરવાના આદેશનો ભંગ કરનાર વિરૂધ્ધ શિસ્ત ભંગના પગલાની પણ ચીમકી ઉચ્ચારી છે. જેથી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોમાં એવો ગણગણાટ થઇ રહ્યો છે કે એર કંડીશન ઓફિસમાં બેસી આદેશ કરતા અધિકારીઓ જો રીફલેક્ટીવ જેકેટ પહેરી જાહેર રસ્તા પર ફરજ બજાવે તો તેઓને આ અંગેની વાસ્તવિકતા સમજાય. આ અંગે ટ્રાફિક વિભાગના અધિકારીનો સંર્પક કરતા તેમણે જણાવ્યું હતું કે રીફલેક્ટીવ જેકેટ પહેરવાના આદેશનો અમલ નહીં કરનાર વિરૂધ્ધ શિસ્ત ભંગ રૂપે ટીઆરબી જવાનને ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવશે અને પોલીસ જવાન વિરૂધ્ધ ડીસીપી સમક્ષ રીપોર્ટ મુકવામાં આવશે અને તેઓ શિક્ષાત્મક પગલા અંગે નિર્ણય લેશે.

રીફલેક્ટીવ જેકેટ દિવસે નહીં પરંતુ રાત્રે પહેરવાનો આદેશ હોવો જોઇએ
ટ્રાફિર પોલીસના જવાનોએ જણાવ્યું હતું કે જાહેર રસ્તા પર રીફલેક્ટીવ જેકેટ પહેરી ફરજ બજાવતા હોય તો પોલીસ છે એવું લાગતું નથી. એમએમસીના બેલદાર કે પછી કોઇ કંપનીના વર્કર હોય તેવી અનુભુતી થાય છે. રીફલેક્ટીવ જેકેટ સુરક્ષા માટે જરૂરી છે પરંતુ દિવસે પહેરવાથી અસહ્ય ગરમીમાં આકરૂ લાગે છે. જેથી દિવસે નહીં પરંતુ રાત્રે પહેરવાનો આદેશ હોવો જોઇએ.

પોલીસ કે ટીઆરબીને સમસ્યા હોય તો રજુઆત કરી શકે છેઃ ડીસીપી ટ્રાફિક
આગ ઝરતી ગરમી વચ્ચે રસ્તા પર રીફલેક્ટીવ જેકેટ પહેરીને ફરજ બજાવવાના નિર્ણય અંગે ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે આ આદેશ પોલીસ કમિશનરનો છે. પોલીસ કે ટીઆરબીને સમસ્યા હોય તો રજુઆત કરી શકે છે. તેમ છતા આ અંગે ફીલ્ડમાંથી ફીડબેક લેવામાં આવશે અને અધિક પો. કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદ સિંધલ અને પો. કમિ. અજયકુમાર તોમર સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.


Google NewsGoogle News