સુરત જિલ્લામાં ખાવડા-નવસારીની 765 કે.વી વીજ લાઇન સામે ખેડુતોમાં આક્રોશ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
સુરત જિલ્લામાં ખાવડા-નવસારીની 765 કે.વી વીજ લાઇન સામે ખેડુતોમાં આક્રોશ 1 - image


- જિલ્લા કલેકટરની બેઠકમાં ખેડુતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ કે બળજબરી કરાશે અને સ્થળ ઘર્ષણ થશે તો ખેડૂતોની જવાબદારી નહી

            સુરત

સુરત જિલ્લામાં ૭૬૫ કે.વી લાઇનને લઇને આજે મળેલી બેઠકમાં જિલ્લા કલેકટરની રૃબરૃમાં ખેડુતોએ કંપનીના અધિકારીઓ સામે આક્રોશ પ્રગટ કર્યો હતો. ખેડુતો સાથે કોઇ પણ બળજબરી કરવામાં આવશે તો હવે સ્થળ પર જ ઘર્ષણ થશે અને એની જવાબદારી ખેડુતોની રહેશે નહીં.


સુરત જિલ્લામાંથી  ખાવડા-નવસારીની ૭૬૫ કે.વી લાઇન માટે અસરગ્રસ્ત ખેડુતોને જિલ્લા કલેકટર દ્વારા ઇન્ડિયન ટેલિગ્રાફ એકટની કલમ ૧૬ મુજબ આજે બપોરે હાજર રહેવા માટે નોટીસ ફટકારાઇ હતી. આ નોટીસના પગલે આજે સુરત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડુતો વલથાણ ખાતે સવારે ભેગા થયા હતા. અને ત્યાંથી અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન પહોંચ્યા હતા. ખેડુતો હાથમાં બેનરો સાથે હાજર રહીને પાવરગીડ કંપનીની કાર્યપદ્વતિ સામે આક્રોશ વ્યકત કર્યો હતો. દરમ્યાન સુરત જિલ્લા કલેકટર દ્વારા મોટી સંખ્યામાં ખેડુતોના બદલે મર્યાદિત સંખ્યામાં જ ખેડુતો હાજર રહીને ચર્ચા કરવા માટે બોલાવતા ખેડુતો સમસમી ઉઠયા હતા.ખેડુતોએ ભારે સુત્રોચ્ચાર કરતા આખરે મનાવીને બેઠકમાં બોલાવ્યા હતા.

દરમ્યાન જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પાવરગીડ કંપનીના અધિકારીઓ અને ખેડુતો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં ખેડુતોએ આક્ષેપ કર્યા હતા કે જે કાયદા હેેઠળ પાવરગીડ લાઇન ઉભી કરવા જઇ રહી છે એ કાયદાનું સંર્પુણ પાલન થતુ નથી. આ જુના કાયદાઓ ખેડુતોને મંજુર નથી.સાથે જ માંડવીના વિરપોર ખાતે પોલીસની હાજરીમાં  ખેડુતોને ધમકાવવાની ઘટનામાં પણ પોલીસની ભુમિકા પર પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. જે ખેતર માલિકને નોટીસ અપાઇ જ નથી.તેના ખેતરમાં થાંભલા નાંખવાની શરૃઆત થતા ચર્ચા ગરમાઇ હતી. વધુમાં જયાં સુધી ગોળ ગોળ જાહેરનામાને બદલે ચોક્કસ સર્વે નંબર સાથેનું જાહેરનામુ પ્રસિદ્વ કરવા માંગ કરાઇ હતી. આથી આ માંગ મુજબ જ જાહેરનામુ પ્રસિદ્વ કરીને આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરે સુચના આપી હતી. આ ઉપરાંત ખેડુત સમાજ દ્વારા માંગવામાં આવેલી માહિતી  અલ્ટરનેટ રૃટ, બી લાઇન જેવી તમામ માહિતીઓ ઉપલબ્ધ કરવા માટે ખાસ તકેદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત જયાં સુધી તમામ બાબતોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇનનું કોઇ પણ બાંધકામ ન કરવાની ખાત્રી મળતા મીટીંગ સમાપ્ત થઇ હતી. મીટીંગમાં ખેડુતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતુ કે પાવરગીડ કંપની ખેડુતો સાથે કોઇ પણ બળબજરી કરશે અને સ્થળ પર જે ઘર્ષણ થશે તેની જવાબદારી ખેડુતોની રહેશે નહીં.

મિટિંગમાં નક્કી થયું છે તે મુજબ માહિતી નહી અપાયો તો ખેડૂતો ધરણાં કરશે

સુરત જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેડુતોએ વિવિધ માંગણીઓ કરી હતી. અને જેનો જિલ્લા કલેકટર દ્વારા પાવરગીંડ કંપનીને સુચના પણ આપવામાં આવી હતી. આ સુચના અને તમામ માહિતીઓ જિલ્લા સેવાસદનની બહાર ઉપસ્થિત ખેડુતોને આગેવાનોએ સમજાવી હતી. અને આગામી દિવસોમાં જો કંપની માહિતી નહીં આપશે કે સુચનાનું પાલન કરશે નહીં તો નવસારી ખાતેની પાવરગીડની ઓફિસ પર મોટી સંખ્યામાં ખેડુતો ઘરણાં કરીને વિરોધ પ્રદર્શનો કરશે


Google NewsGoogle News