Get The App

સૌરાષ્ટ્ર યુનિ.માં બી.એડની 4,000માંથી માત્ર 574 બેઠકો પ્રથમ રાઉન્ડમાં ભરાઇ

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર યુનિ.માં બી.એડની 4,000માંથી માત્ર 574 બેઠકો પ્રથમ રાઉન્ડમાં ભરાઇ 1 - image


ખાનગી બીએડ કોલેજોનાં વળતા પાણી, અડધો અડધ બેઠકો ખાલી રહેશે : ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રત્યે સરકારી તંત્રની ઉદાસીનતાઃ ફિક્સ પગારની નોકરીને લીધે બીએડ કોલેજો બંધ કરવી પડે તેવી સ્થિતિ

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન અંદાજે 60 જેટલી બીએડ કોલેજોમાં પણ આ વર્ષે ભરવાપાત્ર 4,000 બેઠકોમાંથી અડધો અડધ બેઠકો ખાલી રહે તે પ્રકારના નિર્દેશો એડમિશનના પ્રથમ રાઉન્ડ બાદ જાણવા મળ્યા હતા. પ્રથમ રાઉન્ડનાં એડમિશન દરમિયાન માત્ર 574 વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાવ્યા હતા. લાંબા સમયથી શાળામાં શિક્ષકોની ભરતી થતી નહીં હોવાને લીધે તેમજ ટેટ-ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ મામુલી ફિક્સ પગારમાં નોકરી કરાવવાની સરકારી નીતિને લીધે બીએડના અભ્યાસમાંથી પણ વિદ્યાર્થીઓને રસ ઉડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા જી-કાસનાં ઓનલાઇન એડમિશન પોર્ટલ ઉપર આ વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક પ્રકારની ટેકનીકલ ક્ષતિઓને કારણે આ વર્ષ એડમિશન પ્રક્રિયામાં વિલંબ થયો છે. સૌરાષ્ટ્ર યુનિ. સાથે સેલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અંદાજિત 60 બીએડ કોલેજોમાં એડમિશનનો પ્રથમ રાઉન્ડ પુરો થયા બાદ બીએડનાં પ્રવેશાર્થીઓની સંખ્યા અંગે પ્રવેશ સમિતિના સુત્રોએ જણાવ્યું હતું કે જી-કાસના પોર્ટલ ઉપર એડમિશન માટે અરજી કરનારા 1500 વિદ્યાર્થીઓની જે વિગતો મળી હતી તેઓની કોલલેટર મોકલવામાં આવતા પ્રથમ રાઉન્ડમાં અંદાજે 579 વિદ્યાથીઓએ બીએડમાં એડમિશન લીધા છે. હજુ સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન બીએડ કોલેજોમાં અંદાજે 7400 જેટલી જગ્યાઓ ખાલી છે. બીજા રાઉન્ડમાં વધુ વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવી છે. તેથી એડમિશનનો બીજો રાઉન્ડ  ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે પરંતુ તેમ છતાં પણ બીએડમાં પ્રવેશાર્થીઓની સંખ્યામાં આ વર્ષે ચિંતાજનક ઘટાડો જોવા મળશે.

બીએડની ડીગ્રી લીધા પછી જ્ઞાાન સહાયક અને શિક્ષણ સહાયક તરીકે સરકારી શાળામાં નોકરી લીધા પછી ફિક્સ પગારમાં લાંબા સમય સુધી કામ કરવું હવે અનુકુળ નથી. ભરતી પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. શિક્ષક તરીકેની નોકરી અનિશ્નિત અને અસલામત બની રહી હોવાને લીધે બીએડની કોલેજોમાં અડધો અડધ બેઠકો આ વર્ષે ખાલી રહી તેવી સંભાવના પ્રવેશ સમિતિનાં સુત્રોએ દર્શાવી હતી.



Google NewsGoogle News