Get The App

સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયો રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર

દીકરાના જન્મની ખુશીમાં બાળલાલજીને સોનાચાંદીથી તોલવાનું કહી અમદાવાદ રહેતા મૂળ રાજકોટના શૈલેશ ઉઘાડે વરાછાના મંદિરના સ્વામીને દાગીનાની વ્યવસ્થા કરવા કહી તે રકમનો ચેક આપવાની વાત કરી હતી

મહિના અગાઉ અન્ય બે વ્યક્તિ સાથે આવેલો શૈલેશ ઉઘાડ મંદિરના રૂમમાં રોકાઈ દાગીના છાબમાં મુકવાનું કહી ભાગી ગયા બાદ હાલ બોટાદમાં આ રીતે જ ઠગાઈ કરતો ઝડપાયો હતો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયો રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર 1 - image


- દીકરાના જન્મની ખુશીમાં બાળલાલજીને સોનાચાંદીથી તોલવાનું કહી અમદાવાદ રહેતા મૂળ રાજકોટના શૈલેશ ઉઘાડે વરાછાના મંદિરના સ્વામીને દાગીનાની વ્યવસ્થા કરવા કહી તે રકમનો ચેક આપવાની વાત કરી હતી

- મહિના અગાઉ અન્ય બે વ્યક્તિ સાથે આવેલો શૈલેશ ઉઘાડ મંદિરના રૂમમાં રોકાઈ દાગીના છાબમાં મુકવાનું કહી ભાગી ગયા બાદ હાલ બોટાદમાં આ રીતે જ ઠગાઈ કરતો ઝડપાયો હતો

સુરત, : દીકરાના જન્મની ખુશીમાં બાળલાલજીને સોનાચાંદીથી તોલવાના છે તેમ કહી સુરતના વરાછા ધરમનગર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયો તેના બે સાગરીત સાથે મળી રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.મહિના અગાઉની આ ઘટનામાં ફરાર ગઠીયો હાલ બોટાદમાં પણ આ રીતે જ ઠગાઈ કરતો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા ધરમનગર રોડ રુસ્તમબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી ન્યાલકરણદાસજીને ગત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ નવસારીના શૈલેશભાઈ છગનભાઈ ઉધાડ તરીકે આપી હતી.તેણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકનો જન્મ થયો હોય તેની ખુશીમાં બાળલાલજીને સોનાથી તોલવા છે, મારા દીકરા રુદ્રના વજન જેટલા ચાંદીથી તોલવાનો સંકલ્પ કર્યો છે.અઠવાડીયા સુધી ફોન પર વાત કર્યા બાદ શૈલેશભાઈ ગત 15 સપ્ટેમ્બરે સવારે સાત વાગ્યે મંદિરે આવ્યા હતા અને સ્વામીને સોનાચાંદીના દાગીનાની વ્યવસ્થા કરી રાખવા કહી અમે સપરિવાર સાંજે ચાર વાગ્યે આવી ધામધૂમથી વિધી કરીશું તેમ કહ્યું હતું.શૈલેશભાઈએ દાગીનાની જે રકમ થશે તે ચેક કે રોકડાથી આપવાની વાત પણ કરી હતી.

જોકે, શૈલેશભાઈ બપોરે બાર વાગ્યે બીજા બે વ્યક્તિને લઈને આવ્યા હતા અને અમારે જમવું છે કહી ત્યાં જમ્યા બાદ અમે નવસારીથી આવ્યા છીએ તેથી થાકી ગયા છીએ એટલે આરામ કરવો છે તેવું કહેતા સ્વામીએ તેમને એક રૂમની ચાવી આપી હતી.દોઢ વાગ્યે શૈલેશભાઈ ફરી સ્વામી પાસે આવ્યા હતા અને ઘરેથી મહિલાઓ આવી છે, અમારે છાબ ગોઠવવી છે, ફોટા પાડવા છે તેથી આભૂષણો આપો કહેતા સ્વામીએ તેમને રૂ.9 લાખની મત્તાના 152 ગ્રામ સોનાના દાગીના અને રૂ.3.43 લાખની મત્તાના 4 કિલો 900 ગ્રામ ચાંદીના દાગીના આપતા તે રૂમમાં લઈ ગયા હતા.3.30 વાગ્યે સ્વામીએ મહેતાજી નવીનભાઈને શૈલેશભાઈને બોલાવવા રૂમમાં મોકલ્યા તો રૂમમાં કોઈ નહોતું અને રૂ.12.43 લાખના દાગીના પણ ગાયબ હતા.

સ્વામીનારાયણ મંદિરમાંથી ગઠીયો રૂ.12.43 લાખના દાગીના લઈ ફરાર 2 - image

સ્વામીએ આ અંગે તરત તેમના પરિચિત વેપારી અનિલભાઇ ધનજીભાઇ કાકડીયાને જાણ કરતા તે મંદિરે દોડી આવ્યા હતા અને ટ્રસ્ટીઓ સાથે વાત કરી પોતાની રીતે તપાસ કરી બાદમાં તેમણે ગતરોજ શૈલેશભાઈ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૂળ રાજકોટના જેતપુરના વતની અને અમદાવાદ નિકોલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી એ-307 માં રહેતા શૈલેશભાઈ ઉઘાડ હાલમાં બોટાદમાં પણ મંદિરમાં આ રીતે જ ઠગાઈ કરતા ઝડપાયા છે.


અઠવાડીયામાં ત્રણ વખત ડાયાલીસીસ કરતા શૈલેશભાઈને બોટાદ પોલીસે માત્ર અરજીના આધારે કાર્યવાહી કરી જવા દીધા

સુરત, : સુરતના સ્વામીનારાયણ મંદિરમાંથી રૂ.12.43 લાખના સોનાચાંદીના દાગીના લઈ ફરાર થયેલા શૈલેશભાઈએ બોટાદના સ્વામીનારાયણ મંદિરમાંથી પણ આ રીતે જ 200 ગ્રામ સોનું પડાવ્યું હતું.જોકે, ત્યાં તે ગણતરીના કલાકોમાં પકડાતા બોટાદ પોલીસે માત્ર અરજીના આધારે કાર્યવાહી કરી સોનું પરત આપ્યું હતું.શૈલેશભાઈને અઠવાડીયામાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડતું હોય પોલીસે ગુનો નહીં નોંધતા તે ફરાર થઈ ગયા હતા.


Google NewsGoogle News