સ્વછતા હી સેવા માસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં 1 ઓક્ટોબરના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન
Image Source: Freepik
કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લામાં કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ
જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં ‘એક તારીખ એક કલાક’ સૂત્રસાથે એકત્રિત કચરાની સફાઇ કરવામાં આવશે
જામનગર, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર
ગત ૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઓકટોબર દરમિયાન “સ્વછતા હી સેવા” માસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે દેશભરમાં સફાઇ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવે છે. ત્યારે આગામી તા.૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તા.૧ ઓક્ટોબરના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન થનાર છે.
જામનગર જિલ્લામાં કાર્યક્રમના સુચારું આયોજન માટે કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાશ્રમદાન અંતર્ગત કરવામાં આવનાર સફાઈ અન્વયે વિવિધ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યા થી એક કલાક સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં જામનગર જિલ્લાના દરેક ગામમાં શ્રમદાન હેઠળ જે સ્થળે ગામમાં કચરો નાખવામાં આવતો હોય તેમજ આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા તેમજ વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારોમાં તેમજ પ્રવાસ સ્થળો, પ્રાણીસંગ્રહાલય, દરિયા કિનારા, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળ પાસેના વિસ્તાર જેવા સ્થળે શ્રમદાન આયોજિત કરવાનું રહેશે અને ત્યાં એકત્રિત કચરાની એક કલાકમાં સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. સમાજનો દરેક વર્ગ તેમજ વિવિધ પ્રકારની સંસ્થાઓ અને કંપનીઓ, સોસાયટીઓ, ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ શ્રમદાનના આ કાર્યક્રમમાં જોડાઈને સફાઈ અભિયાનમાં ભાગ લઈ શકશે.
આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેમજ શ્રમદાનના અંતમાં એકત્રિત કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને યોગ્ય સ્થળ માટે પહોંચાડવા માટે આયોજન કરવું, શ્રમદાનમાં ભાગ લેનાર લોકો માટે સફાઈના સાધનોની વ્યવસ્થા કરવી જેવા સૂચનો લગત અધિકારીઓને આપ્યા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.