આણંદના યુવાનના અંગદાનથી 3 જિંદગીમાં રંગ પૂરાયા
- દિવસ પહેલા જન્મેલી દીકરીનું મોં પિતા ન જોઈ શક્યા
- આણંદથી અમદાવાદને ગ્રીન કોરીડોર કરી લિવર અને બે કિડનીના અંગો લઈ જવાયા
આણંદના યતકૃપા રેસીડન્સીમાં રહેતા અને ૧૦૦ ફૂટ રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતા હાર્દિક નવીનચંદ્ર શેલત (ઉં.વ.૪૦) તા. ૧૦મી માર્ચે મોર્નિંગ વૉકેથી આવ્યા બાદ નહાવા ગયા બાદ અડધો કલાક બાદ બહાર નીકળ્યા ન હતા. ગર્ભવતી પત્નીએ દરવાજો ખખડાવતા ખૂલી ગયો હતો. હાર્દિક અંદર બેભાન પડયો હતો. ૧૦૮ મારફતે હોસ્પિટલે લઈ જવાતા સારવારમાં નાના મગરજમાં હેમરેજ હોવાનું ખૂલ્યું હતું. તા. ૧૩મીએ ડૉક્ટરોએ હાર્દિકને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. બીજી તરફ પત્ની નીમા (ઉં.વ.૩૮)એ ૧૨મીના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. પત્ની અને માતા- પિતા (નવીનચંદ્ર અને દક્ષાબેન) એ કઠણ હૃદયે હાર્દિકના અંગોનું દાન કરી અન્યના જીવનમાં ઉજાશ લાવવા સહમતી આપી હતી. ત્યારે હાર્દિકના હૃદય અને ફેફસાનું દાન મેડિકલ કારણોસર થઈ શક્યું ન હતું. જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ૪૭ વર્ષીય મહિલામાં કરાયું હતું. જ્યારે એક કિડની અમદાવાદની ૩૧ વર્ષીય મહિલા અને બીજી કિડની લુણાવાડાની ૪૯ વર્ષીય મહિલામાં કરાયું હતું. જ્યારે આંખોનું દાન આણંદની સ્થાનિક હોસ્પિટલમાં કરાયું હતું. આણંદથી અમદાવાદ સુધીનો માર્ગ ગ્રીન કોરીડોર કરી અંગો લઈ જવામાં આળ્યા હતા.