રીંગરોડ શંકર માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડ મંગાવી ગોપાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારીએ બાકી પેમેન્ટ રૂ.14.55 લાખ ચુકવ્યું નહીં

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
રીંગરોડ શંકર માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડ મંગાવી ગોપાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારીએ બાકી પેમેન્ટ રૂ.14.55 લાખ ચુકવ્યું નહીં 1 - image


                                                              Image Source: Freepik

અગાઉ દલાલ મારફતે વેપાર કરી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યા બાદ વેપારીએ ડાયરેક્ટ સંપર્ક કરી કાપડ ખરીદ્યું હતું 

રૂ.21.97 લાખનું કાપડ ખરીદી રૂ.7.41 લાખ ચૂકવી બાકી પેમેન્ટ માટે વાયદા કરી સમય પસાર કરતા હોય વેપારીએ પોલીસમાં અરજી કરી હતી 

સુરત, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર 

સુરતના રીંગરોડ શંકર માર્કેટના વેપારી પાસેથી ગ્રે કાપડ મંગાવી સલાબતપુરા રત્ન સિનેમા પાસે ગોપાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારીએ બાકી પેમેન્ટ રૂ.14.55 લાખ નહીં ચૂકવી ઠગાઈ કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સીટીલાઇટ અગ્રસેન ભવન પાસે નવમંગલ કોમ્પલેક્ષ સી/502 માં રહેતા 45 વર્ષીય રણજીતભાઈ જીતમલ શેઠીયા રીંગરોડ શંકર માર્કેટમાં શ્રી ક્રિષ્ના સીન્થેટીક્સ અને વર્ધમાન ફેબ્રિક્સના નામે કાપડનો વેપાર કરે છે.તેમનું લુમ્સનું કારખાનું બમરોલી રોડ વડોદ ઉમિયાનગર ખાતે આવેલું છે.વર્ષ 2021 માં કાપડ દલાલ પિયુષ મોરાવાલાએ તેમનો પરિચય સલાબતપુરા સ્તન સિનેમા પાસે ગોપાલ ચેમ્બર્સમાં બી.એસ.એન્ટરપ્રાઈઝના નામે કાપડનો વેપાર કરતા બ્રીજેશ હરીશંકર શુક્લા ( મૂળ રહે.સંત રવિદાસનગર, ઉત્તરપ્રદેશ ) સાથે કરાવ્યો હતો.તે સમયે રણજીતભાઈએ દલાલ હસ્તક બ્રીજેશ શુક્લા સાથે રૂ.4 લાખનો વેપાર કરતા તેનું પેમેન્ટ સમસયર મળ્યું હતું.

ત્યાર બાદ તેમની વચ્ચે કોઈ વેપાર થયો નહોતો.બાદમાં જૂન 2022 માં બ્રીજેશે રણજીતભાઈનો ડાયરેક્ટ સંપર્ક કરી તમે મને ઓળખો છો, મને માલ આપો, તમારું પેમેન્ટ અગાઉની જેમ સમયસર કરી આપીશ તેમ કહેતા રણજીતભાઈએ તેને 30 જૂનથી 30 ઓગષ્ટ 2022 દરમિયાન કુલ રૂ.21,96,595 નું ગ્રે કાપડ મોકલ્યું હતું.બ્રીજેશે તેમાંથી રૂ.7,41,389 નું પેમેન્ટ આપી બાકી પેમેન્ટ રૂ.14,55,206 ચુકવવામાં વાયદા કરી સમય પસાર કરતા રણજીતભાઈએ તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. સલાબતપુરા પોલીસે અરજીના આધારે ગતરોજ બ્રીજેશ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News