Get The App

નાઈઝીરીયાની ગર્વમેન્ટના નામે માલનો ઓર્ડર આપી રૂ. 2.18કરોડ ખંખેરી લીધા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
નાઈઝીરીયાની ગર્વમેન્ટના નામે  માલનો ઓર્ડર આપી રૂ. 2.18કરોડ ખંખેરી લીધા 1 - image


રાજકોટના કિચનવેરના કારખાનેદાર છેતરાયા : ગઠીયાએ 31કરોડના માલનો ઓર્ડર આપી જુદા-જુદા ચાર્જીસના બહાને ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરાવી લીધી

રાજકોટ, : નાઈઝીરીયાની ગર્વમેન્ટની એક બોડીના નામે રાજકોટના કારખાનેદારને 31 કરોડના ઓર્ડરની લાલચ આપી રૂ. 2.18 કરોડ જુદા-જુદા ચાર્જીસના નામે ઓનલાઈન મેળવી છેતરપીંડી કરાયાની  સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.  કારખાનેદારે  આટલી માતબર રકમ સામેવાળા ગઠીયાઓ સાથે એક પણ વખત મુલાકાત થઈ ન હોવા છતાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધાની બાબતથી પોલીસને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે.  150 ફૂટ રીંગ રોડ પરના બીગ બઝારની પાછળ બ્રહ્મકુંજ સોસાયટી શેરી નં.2માં રહેતા ચમનલાલ હરખાભાઈ બોરાણીયા (ઉ.વ. 68) મવડીના ઉમાકાન્ત પંડીત ઉદ્યોગનગરમાં સામુ ઈન્ડસ્ટ્રીઝના નામે કિચન વેર મેન્યુફેકચરીંગનું કારખાનું ધરાવે છે.  તેણે પોલીસને જણાવ્યું કે ગઈ તા. 5-6-2023ના રોજ તેના વોટસએપ નંબર ઉપર પ્લસ નંબરના મોબાઈલમાંથી મેસેજ આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે તેને તેની કંપની જે વસ્તુનું મેન્યુફેકચરીંગ કરે છે, તેની ખરીદી કરવાની છે. આ માટે ઓર્ડર આપવાનો છે. સામાવાળાએ પોતાનું નામ વિલીયમ ફેંકલીગ જણાવ્યું હતું. 

એટલું જ નહીં તેની કંપનીના મેઈલ આડી પર અલગ-અલગ મેઈલ આઈડી પરથી  ઈન્કવાયરી અને ઓર્ડર માટે મેઈલ કર્યા હતા. સાથો-સાથ  31 કરોડનો માલ ખરીદવા માટે ઓર્ડર આપ્યો હતો. પોતાની ઓળખ નાઈઝર ડેલ્ટા ડેવલપમેન્ટ કમિશન કે જે નાઈઝરીયાની ગર્વમેન્ટની બોડી છે તેના પ્રતિનિધિ તરીકે આપી હતી. 

એમ પણ કહ્યું હતું કે આ ઓર્ડર નાઈઝરીયાની ગર્વમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યાર પછી તેની પાસેથી બીલ મંગાવી એડવાન્સ પેમેન્ટની વાત કરી 15,000 ડોલર સિકયુરીટી ટેકસ પેટે માંગ્યા હતા.  ફરિયાદમાં ચમનલાલે આગળ જણાવ્યું છે કે તેણે વિલીયમે જણાવેલ બેન્ક ખાતામાં રકમ જમા કરાવી હતી. આ પછી વકિલની કન્સલ્ટીંગ ફી, સ્ટેમ્પ ડયુટી વગેરે જેવા જુદા-જુદા ચાર્જીસના બહાને અલગ-અલગ બેન્ક ખાતામાં એકંદરે રૂ. 2.18 કરોડ ઓનલાઈન જમા કરાવડાવ્યા હતા. 

આ તમામ રકમ તેણે તેની કંપનીના ખાતામાંથી વિલીયમે જણાવેલા જુદા-જુદા બેન્ક ખાતાઓમાં કટકે-કટકે જમા કરાવી હતી. પરંતુ તેને  ઓર્ડરની કોઈ રકમ નહીં મળતાં એટલું જ નહીં પોતે જુદા-જુદા ચાર્જીસના નામે ઓનલાઈન ટ્રાન્સફર કરેલી રકમ પણ પરત નહીં મળતાં ફ્રોડ થયાનું સ્પષ્ટ થયું હતું.  જેથી ગઈ તા. 7-8-2023 ના રોજ  ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અંદાજે એકાદ વર્ષ કરતાં વધુ સમય બાદ સાયબર ક્રાઈમ પોલીસે આજે ગુનો દાખલ કર્યો હતો. તપાસનીશ પીઆઈ એમ.એ. ઝણકાતે જણાવ્યું કે આ ફ્રોડ ખરેખર ભારતમાંથી થયું છે કે વિદેશથી તે હજૂ સ્પષ્ટ થયું નથી. ફરિયાદી પાસેથી જે રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવાઈ છે તે બધી રકમ ભારતની જુદી-જુદી બેન્કોમાં જ જમા થઈ છે. 



Google NewsGoogle News