10 ઇ-બાઇકનો ઓર્ડર આપ્યો, કુરિયરમાં નાના-નાના બોક્ષમાં માત્ર બેટરી નિકળી

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
10 ઇ-બાઇકનો ઓર્ડર આપ્યો, કુરિયરમાં નાના-નાના બોક્ષમાં માત્ર બેટરી નિકળી 1 - image



- ફેસબુક પર જાહેરાત જોઇને ઓર્ડર આપતા પહેલા ચેતવો જેવો કિસ્સો

- ઇ-બાઇક વિક્રેતાએ 10 બાઇકનો ઓર્ડર આપી રૃા.૫ લાખ ચૂકવી દીધા બાદ ઉત્તરપ્રદેશ, દિલ્હીના ઠગો દ્વારા છેતરપિંડી

      સુરત

સોશિયલ મીડીયામાં ઓનલાઇન ખરીદીની સમજી વિચારીને કરવા માટે વાંરવાર ચેતવણી અપાતી હોવા છતા લોકો ભોગ બનતા જ રહે છે. જેમાં સુરતના ગોપીપુરાના ઇ-બાઇકનો શો રૃમના માલિકે ફેસબુક પર જાહેરાત જોઇને રૃા.5 લાખમાં 10 ઇ-બાઇકનો ઓર્ડર આપ્યો તો કુરિયરમાં બાઇકના બદલે બેટરીના નાના નાના ખોખા નિકળતા દિલ્હી અને ઉતરપ્રદેશના બે ઠગ વિરુદ્વ છેંતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

અઠવાલાઇન્સ નર્મદ નગર ખાતે રહેતા અને ગોપીપુરામાં વેલોસીટી ઇ-બાઇકનો શો-રૃમ ધરાવતા વત્સલ કિશોરચંદ્વ કાપડીયા(ઉ.વ.40) ગત 19 મી સપ્ટેમ્બરના રોજ ફેસબુક પર વાયર ઇ ઇન્ડીયા નામની ઇ-બાઇકનું ઓનલાઇન વેચાણ માટેની જાહેરાત જોઇ હતી. હાલમાં ઇ-બાઇકનું વેચાણ મોટાપાયે થઇ રહ્યું હોવાથી દિવાળીના તહેવાર માટે ઇ-બાઇક મંગાવવા ફેસબુકની જાહેરાતમાં ડિલરશીપ માટેના કોન્ટેક્ટ નંબર પર તેમણે કોલ કર્યો હતો.

સામે છેડેથી મનિષ સારસ્વત (રહે. ગલી નં.4 દુર્ગા કોલોની છાપ્રાઉલા ગૌતમબુધ્ધ નગર, ઉતરપ્રદેશ) એ વાત કરી હતી. અને તેણે  બી-ઇન્ડિયા નામની ફર્મના પ્રોપ્રાઇટર હોવાની ઓળખ આપી હતી. તેમજ એસડબલ્યુટી મીકેનીકા પ્રા.લિમાં ડાયરેકટર હોવાનું જણાવીને ઇ-બાઇકનું પ્રાઇઝ લિસ્ટ મોકલી આપ્યુ હતુ. આ પ્રાઇઝ લિસ્ટમાંથી રૃા.50,500 માં બેટરી ચાર્જર સાથેનું ડ્રાઇ મોડલ પસંદ છે એમ વત્સલ કાપડીયાએ કહેતા તેમને પેમેન્ટ કરશો તો ઇ-બાઇક કુરિયરથી મોકલી આપીશું તેમ જણાવાયું હતું.

જેથી 10 ઇ-બાઇકનો ઓર્ડર અપાયો હતો અને રૃા.5 લાખ પેમેન્ટ ચૂકવાતા તેનું જીએસટી સાથેનું પાકું બિલ પણ વત્સલભાઇને મોકલી અપાયું હતું. જોકે, પેમેન્ટ ચૂકવાઇ ગયા બાદ ખેલ શરૃ થયો હતો. મનિષ સારસ્વતને કોલ કરાતા તેણે કહ્યું કે હવે આ કંપનીના ડિરેકટર પ્રશાંત ચોરસીયા (રહે. એ.18 અરૃણા પાર્ક શાકરપુર, ન્યુ દિલ્હી) છે. હવે તેમનો જ સંપર્ક કરવાનો રહેશે કહીને નંબર આપયો હતો. જોકે, પ્રશાંત ચોરસીયાએ પણ બાઇકની ડિલિવરી નહી કરતા ફરીથી મનિષનો સંપર્ક કરાયો ત્યારે તેણે નવું બિલ મોકલી આપ્યું હતું અને કુરીયર મારફત સુરતમાં ઇ-બાઇકની ડિલિવરી મળી જશે કહીને સુનિલ દુબેનો મોબાઇલ નંબર આપ્યો હતો. તેના પર સંપર્ક કરીને વત્સલભાઇ કુરીયર કંપનીના પલસાણા સ્થિત ડેપો પર પહોંચ્યા હતા. અને પાર્સલો ખોલતા તેમાંથી ઇ-બાઇકને બદલે નાના-નાના 10 ખોખામાંથી માત્ર બેટરી નિકળી હતી. આ છેતરપિંડી અંગે મનિષ સારસ્વત અને પ્રશાંત ચોરસીયા વિરુધ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે..


Google NewsGoogle News