વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ સફાળી જાગી, 100 કલાકમાં રાજ્યભરના ગુંડા-મવાલીની યાદી તૈયાર કરાશે
Gujarat Police Action: હાલ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડતી નજરે પડી રહી છે. અસામાજિક તત્ત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવી રીતે આતંક મચાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. એક ઘટના હજુ પતે નહીં ત્યાં બીજી ઘટના બને છે. ત્યારે અંતે ગુજરાત પોલીસ સફાળી જાગી છે. વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ મોટો આદેશ આપતા જણાવ્યું છે કે, 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવે.
આગામી 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.
ખંડણી, ધાક-ધમકી સહિતના ગુનામાં સંકળાયેલા તત્ત્વોની યાદી કરાશે તૈયાર
રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા, ખંડણી ઉઘરાવનારા, ધાક-ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન-જુગારનો ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો કરીને જનતામાં ભય ફેલાવનારાનો આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.
શું પોલીસ વસ્ત્રાલ જેવી ઘટનાની રાહ જોતી હતી?
આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તે સારી વાત છે, પરંતુ સવાલ એ છે કે, શું પોલીસ અત્યાર સુધી વસ્ત્રાલની ઘટનાની રાહ જોતી હતી? વસ્ત્રાલ જ નહીં, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો આતંક છે. નબીરાઓ નશાખોરી કરીને બેખૌફ ફરે છે. આડેધડ ડ્રાઈવિંગ કરીને લોકોને કમોતે મારે છે, પરંતુ આવી ઘટનાઓ થાય ત્યારે જ પોલીસ કડક કાર્યવાહીનો દેખાડો કરે છે. તો સામાન્ય માણસને સવાલ થાય છે કે, પોલીસ આ તત્ત્વોને કાબુમાં રાખવા પ્રયાસ કરે છે કે પછી આવી કોઈ ઘટના થાય ત્યારે ખાલી નાટક કરીને સંતોષ માની લે છે?
વારંવાર ગુના આચરનારા આરોપીઓના જામીન રદ કરવાની કાર્યવાહી
આવા તત્ત્વો દાખલ થયેલા ગુનામાં જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઇ ગેરકાયદે કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવાનો પણ પોલીસ વડાએ આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભાડુઆત તરીકેની નોંધણી ના કરી હોય તો પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. આમ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
પોલીસ વડાનો કડક કાર્યવાહીનો આદેશ હજુ હવે કેમ?
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ સિવાય આ તત્ત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો તેને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ જોડાણ ધ્યાને આવે તો GUVNL સાથે વાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા, તેમના બેંક ખાતા ચકાસીને નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદે કૃત્ય જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ છે.
હવે સવાલ એ છે કે, શું રાજ્ય પોલીસ વડા પણ અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી કરવા રાહ કેમ જોતા હતા? એવું કહેવાય છે કે, વસ્ત્રાલ સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી. થોડા સમય પહેલા પોલીસ સાથે દાદાગીરી કરતા આવા જ અસામાજિક તત્ત્વોના વીડિયોએ ચકચાર મચાવી દીધી હતી.
અસામાજિક તત્ત્વો પોલીસને ગાંઠતા નહીં હોવાથી લોકો ભયભીત
અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ડિસેમ્બર 2024માં અસામાજિક તત્ત્વોનો ભારે આતંક જોવા મળ્યો હતો. આ લોકોએ અમદાવાદ પોલીસ જવાનોને પણ તલવાર બતાવીને પોલીસ વેનમાં પાછા બેસાડી દીધા હતા. આ ઘટનામાં અમદાવાદ પોલીસે બે લોકોની ધરકપડ કરી હતી. બાદમાં વસ્ત્રાલની ઘટનામાં થયું એવી જ રીતે, તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દીધા હતા.
આ વીડિયોમાં પોલીસને પણ અસામાજિક તત્ત્વો સામે લાચાર જોઈને સામાન્ય લોકો પણ ભયભીત થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે કડક કાર્યવાહી કરી હતી, પરંતુ આ પ્રકારના તત્ત્વો આતંક મચાવીને સામાન્ય નાગરિકોને પરેશાન કરતા હોય છે ત્યારે પોલીસ અનેકવાર મૂક પ્રેક્ષક જ બની જતી હોવાનું જોવા મળ્યું છે.