સુરેન્દ્રનગર પાલિકાના 4 નિવૃત્ત સફાઈ કાર્મચારીને ગ્રેજ્યુઈટી ચુકવવા આદેશ
- મદદનીશ શ્રમ આયુક્ત કચેરીએ વ્યાજ સહિત ૬ લાખ ચૂકવવા પાલિકાને હુકમ કર્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ૪ નિવૃત્ત સફાઈ કામદારોને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા આદેશ મદદનીશ શ્રમ આયુક્ત કચેરીનો હુકમ કર્યો છે. કચેરીએ હુમકમમાં કર્મચારીઓને વ્યાજ સાથે રૂા.૬ લાખ ચુકવવા આદેશ કર્યો છે.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના કાયમી સફાઈ કામદારોને નિવૃત્તિ બાદ ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવે છે પરંતુ પાલિકા દ્વારા સફાઈ કામદાર ગેલાભાઈ ટપુભાઈના અવસાન બાદ તેમના વારસદાર લવીંગાબેન ગેલાભાઈ સહિત અન્ય ત્રણ સફાઈ કામદારોને રોજમદાર નોકરી સમય દરમ્યાન ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવી નહોતી.
આથી ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા દ્વારા ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા પાલિકા તંત્ર સામે નિયંત્રણ અધિકારી અને મદદનીશ શ્રમ આયુક્ત સમક્ષ કેસ કરવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા કર્મચારીની તરફેણમાં દલીલો અને પુરાવા રજુ કર્યા બાદ બંને પક્ષોને સાંભળ્યા બાદ ગેલાભાઈ ટપુભાઈના વારસદાર લવીંગાબેન ગેલાભાઈને રૂા.૧,૨૮,૩૦૩, કુંદનબેન ટસુભાઈને રૂા.૧,૭૮,૪૦૨, મથુરીબેન નાનુભાઈને રૂા.૧,૩૬,૪૨૫ અને જમનાબેન મગનભાઈ રૂા.૧,૫૭,૪૧૩ ગ્રેજ્યુઈટીની રકમ મળી કુલ ચાર કર્મચારીઓને રૂા.૬,૦૦,૫૪૩ જેટલી રકમ ૧૦ ટકા સાદા વ્યાજ સહિતની ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવાનો હુકમ કરવામાં આવતા સફાઈ કામદારોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.