વીમાદારનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વળતર ચુકવવા હુકમ
વીમાદારને દસ વર્ષથી તમાકુ ચાવવાની આદત હોવાનું જણાવી કેન્સરની સારવારનો ક્લેઈમ નકાર્યો હતો
માત્ર તમાકુ સેવનની આદતથી કેન્સર થયાનું કારણ આપી
સુરત
વીમાદારને દસ વર્ષથી તમાકુ ચાવવાની આદત હોવાનું જણાવી કેન્સરની સારવારનો ક્લેઈમ નકાર્યો હતો
વીમાદારની કેન્સરની બિમારીનો ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર વીમાકંપનીની અનફેર ટ્રેડ પ્રેકટીશ ગણાવી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ વીમાદારને ત્રણેય ક્લેઈમની કુલ રકમ રૃ.3.19 લાખ વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત તથા હાલાકી બદલ રૃ.10હજાર દશ દિવસમાં ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
અડાજણ પ્રાઈમ આર્કેડ ખાતે રહેતા ફરિયાદી વિજયકુમાર રમેશચંદ્ર કાપડીયાએ જાન્યુઆરી-2021 થી જાન્યુઆરી-2023ના સમયગાળા માટે નીવા બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપનીની રૃ.30 લાખની સમએસ્યોર્ડની ત્રણ મેડીક્લેઈમ પોલીસી લીધી હતી.જે અમલમાં હોવા દરમિયાન ફરિયાદીને માર્ચ-2021માં તબિયત ખરાબ થતાં ઈન્ડોર પેશન્ટ તરીકે હોસ્પિટલમાં દાખલ થઈને નિદાન સારવાર કરાવી હતી.જે દરમિયાન ફરિયાદીને કેન્સરનું નિદાન થતાં બે કીમોથેરાપી સહિત સારવારનો ખર્ચ રૃ.3.95 લાખ થતાં કુલ ત્રણ ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીએ મે-2021માં ફરીયાદીને દશ વર્ષથી તમાકુ ચાવવાની ટેવ હોઈ પોલીસી શરતના ભંગનું કારણ આપી ક્લેઈમ નકારી કાઢતા ફરિયાદીએ નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.
જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે મેડીકલ સાયન્સ મુજબ ફરિયાદીને કેન્સર થવાના એકથી વધુ કારણ હોઈ શકે માત્ર તમાકુ સેવનના લીધે જ કેન્સર થયું હોવાનું જણાવી વીમા કંપનીએ ખોટી રીતે ક્લેઈમ નકાર્યો છે.વીમાદારની બિમારી તથા તમાકુ સેવનની ટેવ વચ્ચે સીધો સંબંધ હોવાનું ઠોસ પુરાવો વીમા કંપની રજુ કરવામાં નિષ્ફળ રહી છે.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી વીમાદારને વ્યાજ સહિત ત્રણેય ક્લેઈમની ઉપરોક્ત રકમ તથા હાલાકી-ખર્ચના નાણં ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.