નાગપુર રૃરલના પોલીસ અધિક્ષક તેમજ પી.આઇ. સામે ફરિયાદ દાખલ કરવા હુકમ
છેલ્લા ૭ વર્ષથી ભરણ પોષણના કેસમાં વોરંટ ઇશ્યૂ થવા છતાંય બજવણી ના કરી તેમજ વોરંટ પરત પણ મોકલ્યા નહતા
વડોદરા, ભરણ પોષણના કેસમાં અદાલતમાં થયેલી ત્રણ અરજીઓ સંદર્ભે અદાલત દ્વારા સંખ્યાબંધ વોરંટ પતિને બજવણી કરવા માટે નાગપુર પોલીસને મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા ૭ વર્ષથી તે વોરંટ પરત કોર્ટમાં આવ્યા જ નહતા. જે અંગે વડોદરાની અદાલતે નાગપુર રૃરલના અધિક્ષક તેમજ ઉમરેડ પોલીસ સ્ટેશનના પી.આઇ. સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ થયો છે.
વડોદરાની ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવેલા ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, ભરણ પોષણના એક કેસમાં વડોદરાની ફેમિલી કોર્ટ દ્વારા પતિને દર મહિને ૨૫ હજાર તા. ૧૭ - ૧૨ - ૨૦૧૪ થી ચૂકવી આપવાનો ઓર્ડર થયો હતો. પરંતુ, પતિએ ઓર્ડરનો પાલન નહીં કરતા તા. ૨૯ - ૦૬ - ૨૦૧૮ ના રોજ પત્ની દ્વારા મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ઉમરેડમાં રહેતા પતિ પાસેથી ૪૧ મહિનાના ૧૦.૩૦ લાખ વસુલ મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તે સમયના ન્યાયાધીશ દ્વારા અસંખ્ય વખત પતિને વોરંટની બજવણી માટે નાગપુર રૃરલ પોલીસ અધિક્ષકને મોકલી આપવામાં આવ્યા હતા. હાલના ન્યાયાધીશ દ્વારા ઉમરેડ પોલીસ સ્ટેશન નાગપુર રૃરલ તથા નાગપુર રૃરલના પોલીસ અધિક્ષકને પણ વોરંટ બજવણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ, પતિને પકડીને રજૂ કરવામાં આવ્યો નથી. ઘણા વોરંટ કે જે સરકારી દસ્તાવેજો હોય તે વોરંટ બજવણી કરીને કે બજવણી કર્યા વગર પણ પરત કરવામાં આવ્યા નથી.
વડોદરાની કોર્ટના રજીસ્ટર્ડ ઇમેલ એડ્રેસ પરથી પણ સામાવાળા (પતિ) ને વોરંટની બજવણી કરવા નાગપુર રૃરલના પોલીસ અધિક્ષકને મેલ કરવામાં આવ્યો હતો. પરંતુ, કોઇ અગમ્ય કારણોસર તેમજ સામાવાળાને સજામાંથી બચાવવા માટે તેમજ અરજદાર (પત્ની) ને મળવા પાત્ર ભરણપોષણની રકમ ના મળે તે હેતુથી વોરંટની બજવણી કરવામાં આવી નથી. પી.આઇ. તથા પોલીસ અધિક્ષક દ્વારા વોરંટ અદાલતને પરત નહીં કરી સરકારી દસ્તાવેજનો નાશ કરી અદાલત દ્વારા કરવામાં આવેલા હુકમનું ઉલ્લંઘન કરી ગુનો કર્યો છે.
ન્યાયાધીશ પી.એચ.સિંહે વધુમાં એવો ઓર્ડર પણ કર્યો છ ેકે, પોલીસ અધિક્ષક નાગપુર રૃરલ તથા ઉમરેડ પોલીસ સ્ટેશનના પી.આઇ. દ્વારા બી.એન.એસ. ની કલમ ૧૯૮,૧૯૯, ૨૨૩, ૨૫૩ અને ૧૫૫ મુજબનો તેમજ બોમ્બે પોલીસ એક્ટની કલમ ૧૪૫ (૩) મુજબનો ગુનો કરવામાં આવ્યો છે. જેથી, તેઓ વિરૃદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અદાલતના રજીસ્ટ્રારને હુકમ કરી તેની જાણ અદાલતને ૪ દિવસમાં કરવા તાકીદ કરી છે.
ફરજ નિભાવવામાં પોલીસ અધિકારીઓની બેદરકારી
વડોદરા,
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ફરજમાં બેદરકારી રાખવા બદલ નાગપુર રૃરલ અધિક્ષકે ત્રણેય અરજીના કામે સામાવાળાને વોરંટ બજાવવા માટે તેમજ બોમ્બે પોલીસ એક્ટની કલમ ૬૪ મુજબ સમન્શ વોરંટની બજવણી કરવાની જવાબદારી પોલીસ અધિકારીઓની હોય. તે ફરજ નિભાવવામાં ઉમરેડ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ અધિક્ષક વિફલ ગયા છે.
૨૭ મી માર્ચે પોલીસ અધિકારીને હાજર થવા હુકમ કરવા છતાંય કોઇ ના આવ્યું
કોર્ટે રજીસ્ટર્ડ એ.ડી. તથા ઇમેલથી પણ નોટિસ મોકલવામાં આવી હતી
વડોદરા,
કોર્ટે ઓર્ડરમાં નોંધ્યું હતું કે, અદાલતે તા. ૧૨ - ૦૩ - ૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષક નાગપુર રૃરલને રજી.એ.ડી. થી તેમજ ઇમેલ એડ્રેસ પર નોટિસ મોકલવામાં આવી હતી. તેની નકલ ડી.આઇ.જી. નાગપુર રેન્જ, ડી.જી.પી. ઓફિસ મુંબઇ, મહારાષ્ટ્રને મોકલવામાં આવી હતી. જે નોટિસ મળી ગઇ હોવાનુ અનુમાન કરવાનું રહે છે. આ નોટિસ મુજબ ૨૭ મી માર્ચે પોલીસ અધિક્ષક નાગપુર રૃરલને જાતે હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ ઉમરેડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સામાવાળા (પતિ) નું એડ્રેસ હોઇ તેઓને વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધી કેમ વોરંટ બજવણી થઇ નથી ? તેનો ખુલાસો કરવા જણાવ્યું હતું. તેમજ વોરંટ પરત આવ્યા ન હોય તેનો નાશ શું કરવા કરાયો ? તેનો પણ ખુલાસો કરવા જણાવવામાં આવ્યું હતું.આમછતાંય નાગપુર પોલીસ અધિક્ષક કે તેમના તાબા હેઠળના કોઇ અધિકારી કે કર્મચારીએ આ બાબતે કોઇ ખુલાસો કર્યો નથી.