શિક્ષણ વિભાગનો નિર્ણય: 10થી ઓછા વિદ્યાર્થી ધરાવતી અરવલ્લીની 7 પ્રાથમિક શાળાને તાળા લાગશે
image:envato |
Primary School In Aravalli: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી જોગવાઈ, ઠરાવ, શિક્ષણ નિયમ અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો. જેને લઈને અરવલ્લીની 7 પ્રાથમિક શાળાઓને બંધ કરવા આવશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામા આવશે. જ્યારે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઊભી કરવા અને આ શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણો શું છે નિયમ
રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી શાળા, કોલેજ અને યુનિવર્સિટી ગુજરાત સરકાર શરૂ કરી શકી નથી. તેવી વિરોધ પક્ષોની કાયમી ફરીયાદ રહી છે. બાળકોને પાયાનું પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પણે મળી રહે તે માટે સરકારની જ શિક્ષણ નિતીમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવવામાં આવ્યો હતો.
મુંબઈ પ્રાથમિક શિક્ષણ 1949ના નિયમ 32 હેઠળ ઓછામાં ઓછા 10 વિદ્યાર્થી હોય ત્યાં પ્રાથમિક શાળાઓ નિભાવવાની જોગવાઈઓ લાગુ પડાઈ હતી. પરંતુ ગુજરાતના શિક્ષણ વિભાગના વર્ષ 2020ના ઠરાવ હેઠળ ધોરણ 6, 7 અને 8માં 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓના વર્ગો બંધ કરવાની પણ જોગવાઈ કરાઈ હતી. ત્યારે આ જુદી જુદી જોગવાઈઓ, પ્રાથમિક શિક્ષણ સેટઅપ રજિસ્ટાર 2023-24 હેઠળના નિયમો અન્વયે અરવલ્લી જિલ્લામાં 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 7 શાળાઓમાં બંધ કરવા અને બે શાળાઓના કેટલાક વર્ગો બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી દ્વારા નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી, સૌરાષ્ટ્રમાં ઉના અને કચ્છમાં નારાયણ સરોવર પાસે બનશે
અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે દ્વારા કરાયેલા આ આદેશને પગલે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી મોડાસા તાલુકાની 3, બાયડ તાલુકાની 2 અને માલપુર, ધનસુરા, ભિલોડા અને મેઘરજ તાલુકાની એક-એક શાળાઓ બંધ કરવા અને કેટલાક વર્ગો બંધ કરવા જરૂરી વહીવટી કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લા ડીપીઈઓના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે આ અસરગ્રસ્ત શાળાઓના બાળકોને નજીકની વધુ સુવિધાઓ ધરાવતી અને વિષય શિક્ષકવાળી શાળાઓમાં સમાવવામાં આવશે. વિદ્યાર્થીઓને શિક્ષકોના કૌશલ્ય અને સેવાનો પણ લાભ મળી રહે છે. તેમજ યોગ્ય અને શ્રેષ્ઠતમ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય.
વિદ્યા મંદિરને તાળાંથી નબળા, પછાત વર્ગના બાળકોના શિક્ષણનો ભોગ લેવાશે
શહેરો કરતા ગામડાઓમાં સ્થિતિ જુદી છે. કેટલાક ગામોમાં આવી શાળાઓ એટલે કે વિદ્યા મંદિર શરૂ કરવા દાતાઓ દ્વારા જમીન દાન, ઓરડા દાન સહિત શાળામાં જરૂરી માળખાકીય સુવિધાઓ માટે શાળાઓને રોકડ સહિતનું દાન, સહયોગ પૂરો પડાયો હોય છે. ત્યારે આવી શાળાઓ બંધ થવાથી દાતાઓનો હેતુ એળે જશે. જે વાલીઓ ગામમા શાળા બંધ થતાં ભલે નજીકની પણ અન્ય ગામની શાળામાં બાળકોને ભણવા નહીં મોકલે તેવા આર્થિક નબળા, પછાત સમાજના બાળકોના શિક્ષણનો ભોગ લેવાશે એમ મનાઈ રહ્યું છે.
જિલ્લાની કઈ શાળાઓ કે શાળાના વર્ગો બંધ કરાયા
•કરસનપુરાકંપા મોડાસા શાળા
•સાકરીયાકંપા મોડાસા શાળા
•મુન્શીવાડા મોડાસા ધો.1થી 5 વર્ગ બંધ (ધો.6થી 8 ચાલું)
•પિપલાણા માલપુર શાળા
•હમીરપુરા ધનસુરા ધો.6 અને 7 વર્ગ બંધ
•મોતીપુરા ભિલોડા શાળા
•માળકંપા મેઘરજ શાળા
•બાદરપુરા બાયડ શાળા
•વટવટીયા બાયડ શાળા
જિલ્લામાં 7 શાળા અને બે શાળાના 7 વર્ગો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે મુન્શીવાડાની આ શાળામાં પ્રાથમિક વિભાગ એટલે ધો. 1થી 5 બંધ કરવાનો આદેશ કરાયો છે. જો કે આ શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 6થી 8 ચાલુ રખાશે.