મેડીક્લેઇમની રકમ વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ
તબીબી પેપર્સમાં ક્લેરીકલ ભુલથી તારીખ એક દિવસ અગાઉની લખાઈ હોય તો વીમા કંપની ક્લેઈમ નકારી શકે નહીં
સુરત
તબીબી પેપર્સમાં ક્લેરીકલ ભુલથી તારીખ એક દિવસ અગાઉની લખાઈ હોય તો વીમા કંપની ક્લેઈમ નકારી શકે નહીં
વીમાદારની તબીબી સારવારના પેપર્સમાં પ્રથમ નિદાનની તારીખ પહેલાં સારવારની તારીખ લખી હોવાના મુદ્દે વીમાકંપની એ ડીસ્ક્લોઝર ઓફ નોર્મ્સ હેઠળ ક્લેઈમ નકારનાર વીમા કંપનીને ગ્રાહક સેવામાં ખામી બદલ વ્યાજ સહિત ક્લેઈમની રકમ ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ઈન્ચાર્જ પ્રમુખ બી.જી.દવે તથા સભ્ય પુર્વીબેન જોશીએ હુકમ કર્યો છે.
ઉત્રાણ પાવરહાઉસ ખાતે એપલ લકઝરીયામાં રહેતા ફરિયાદી વીમાદાર મીતુલકુમાર હરેશભાઈ લહેરીએ ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનો હેપ્પી હેલ્થ પ્રોટેકટર પ્લાન નામની રૃ.5 લાખની સમએસ્યોર્ડની મેડી ક્લેઈમ પોલીસી ઉતરાવી હતી.જે અમલમાં હોવા દરમિયાન ફરિયાદીની તબિયત બગડતા ગઈ તા.24-6-23ના રોજ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈને નિદાન કરાવતા ડેન્ગ્યુ હેમોરજીક ફીવરની બિમારીની સારવાર કરાવી હતી.જેનો કુલ ખર્ચ રૃ.93,429 નો ખર્ચ થતા ફરિયાદીએ વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીએ વીમાદારના તબીબી સારવારના પેપર્સમાં તા.24-6-23ના રોજ સારવાર કરાવી હતી.જ્યારે પ્રથમ કન્સલ્ટેશન પેપર પર તા.25-6-23 લખી હતી.જેથી વીમાકંપનીએ વીમાદારને સાચી માહીતી છુપાવી હોવાનું જણાવી ક્લેઈમ નકારી કાઢ્યો હતો.
જેથી વીમા કંપનીની સેવામાં ખામી બદલ ફરિયાદી મીતુલકુમાર લહેરીએ નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે ક્લેરીકલ મીસ્ટેકને કારણે પ્રથમ કન્સલ્ટેશનની તારીખ અગાઉના એક દિવસ સારવારની તારીખ લખાઈ છે.જે અંગેના રેકર્ડ રજુ કરીને ફરિયાદીએ વીમા કંપનીએ ખોટા કારણોસર ક્લેઈમ નકાર્યો હોઈ વ્યાજ સહિત ક્લેઈમ વસુલ અપાવવા માંગ કરી હતી.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી ફરિયાદીને વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત ક્લેઈમની રકમ 93,429 તથા અરજીખર્ચ-હાલાકી બદલ રૃ.5 હજાર ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.