ગુજરાતના 8 જિલ્લામાં આગામી ચાર દિવસ ઓરેન્જ એલર્ટ, સાપુતારામાં સૌથી વઘુ અઢી ઈંચ
Orange Alert in Gujarat : ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે ભારે વરસાદના વઘુ એક રાઉન્ડના વાદળો ઘેરાયા છે. આગામી ચાર દિવસ 8 જિલ્લામાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જ્યારે અન્યત્ર યલો એલર્ટ જાહેર કરાઇ છે.
દક્ષિણ ગુજરાતમાં મંગળવારે કડાકા-ભડાકા સાથે વરસાદ : સાપુતારામાં સૌથી વઘુ અઢી ઈંચ
આ દરમિયાન મંગળવારે ડાંગ જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગત 24 કલાકમાં સાપુતારામાં 2.56 ઇંચ, વઘઇમાં 1.7 ઇંચ, આહવામાં 1 ઇંચ અને સુબીરમાં 0.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સાપુતારામાં રાત્રે 8 થી 10ના સમયગાળા દરમિયાન બે કલાકમાં 1.72 ઇંચ, વઘઇમાં રાત્રે 12 થી 2ના બે કલાકમાં 1.56 ઇંચ અને આહવામાં 10 થી 12ના બે કલાક દરમિયાન 0.84 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પંચમહાલના ગોધરા, ઝાલોદ, શહેરામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.
મેઘ ગર્જના ની ચેતવાણી #gujarat #weather #WeatherUpdate DAY4-5 pic.twitter.com/iZd7J4w7BM
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 24, 2024
મંગળવારે દિવસ દરમિયાન વલસાડમાં સૌથી વઘુ 1 ઈંચ જ્યારે નવસારીના ચીખલી, વડોદરા શહેર, અમરેલીના લિલિયા, મહેસાણાના વિજાપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. મંગળવરે કુલ 32 તાલુકામાં વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં રાજ્યમાં સરેરાશ 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 126 તાલુકામાં 40 ઈંચથી વઘુ વરસાદનો સમાવેશ થાય છે.
આગામી ચાર દિવસ ક્યાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
25 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
26 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.
27 સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર.
28 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજી 38 સેમીનું બાકી
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહી છે. ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજૂ 38 સેમીનું લેવલ બાકી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 78,301 કયુસેક થઇ રહી છે.
જો કે ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી 138.68 મીટર છે. હાલ ઉપરવાસથી આવક ચાલુ રહેતા નર્મદા નદીમાં કુલ 91,919 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. જો કે ડેમનો હાલ એકજ ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે 0.50 મીટર જેટલો ખુલ્લો છે. નદીમાં 78 હજાર કયુસેકથી વધુ પાણી ઠલવાઇ રહ્યું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે.