હવે સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરને ઝોનલ ઓફિસર સામે વાંકુ પડ્યું..! મળતિયાઓને જ છાવરવાનો આક્ષેપ
Surat News : સુરત પાલિકાના વિરોધ પક્ષના એક મહિલા કોર્પોરેટરને વરાછા ઝોનના અધિકારી સાથે વાંકુ પડ્યું છે એટલે ગરીબોના કામ થતા નથી એવું કહીને વિપક્ષના એક મહિલા કોર્પોરેટર ઝોનલ ઓફિસરની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા. વિપક્ષના કોર્પોરેટર દ્વારા અધિકારીઓને પોતાના મળતિયાઓને જ છાવરવામાં રસ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
સુરત પાલિકાના વોર્ડ નં 4 ના તૂટેલા રોડ, રસ્તા પરના દબાણો, તાપી નદીમાં ઠલવાતું કેમિકલવાળું પાણી, ગટરોના ગેરકાયદેસર જોડાણ, રહેણાંક સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે વિપક્ષના કોર્પોરેટર સેજલ માલવીયાએ ઝોનમાં રજૂઆત કરી હતી પરંતુ તે પ્રશ્નનો હલ થયો ન હતો.
આ પ્રશ્નનો હલ થતો ન હોવાનું જણાવીને મહિલા કોર્પોરેટરે કહ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા નથી. ઉડાઉ જવાબ આપીને છટકી જાય છે. લોકોના સમયસર કામો થતાં નથી. અધિકારીઓને ફક્ત પોતાના વ્હાલા અને મળતીયાઓને જ છાવરવામાં રસ છે. જ્યાં ફાયદો દેખાય એવાના જ કામો અધિકારીઓને કરવામાં રસ હોય તેવો આક્ષેપ કર્યો હતો.
ગરીબ અને મધ્યમ વર્ગનો બેલી આ અધિકારી રાજ અને અફસર શાહીમાં કોઈ નથી. તેથી જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી હું અહીંથી જવાની નથી એવું કહીને તેઓ ઝોનલ ઓફિસરની ઓફિસ બહાર જ ધરણા પર બેસી ગયાં હતા.