નલ સે જલ યોજનાના સ્થળનો ઠરાવ રદ કર્યો છતાં જમીન ફાળવી દેવાતા વિરોધ
- ભુવેલ ગામમાં પાણી પુરવઠા વિભાગની રૂા. 150 કરોડના ખર્ચે
- કલેક્ટર અને પાણી પુરવઠા બોર્ડને જાણ કરી છતાં ૧૫ હજાર ચો.મી. ગૌચરની જમીન ફાળવી દેવાઈ : સ્થળ નહીં બદલાય તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની સ્થાનિકોની ચિમકી
પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ તા.૧૪ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ ભુવેલ ગામની જગ્યાએ સેમ્પલ લેવા આવ્યા હતા. ત્યારે ગ્રામપંચાયત સહિત સરપંચ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો. પરંતુ તા.૧૮ જૂન ૨૦૨૪ના રોજ ઈન્ચાર્જ સરપંચ પારસ પટેલ દ્વારા પંચાયતમાં ઠરાવ નં.૧૪(૧) કરીને ગૌચરની જમીનમાંથી કેટલીક જમીન પાણી પુરવઠા બોર્ડને આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ અંગે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ પંચાયતના સભ્યોએ ફેર વિચારણા કરવાનું જણાવતા વિસ્તૃત ચર્ચાને અંતે ઠ.નં.૧૪(૧)ને બહાલી ન આપવી એવું નક્કી થતાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગને જમીન ફાળવણીની સંમતીનો ઠ.નં.૧૪(૧) તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના ઠરાવ નં.૧૫ દ્વારા રદ થયેલો જાહેર કરાયો હતો.
આ ઠરાવની નકલો પાણી પુરવઠા વિભાગ, કલેક્ટર, પ્રાંત કચેરી, મામલતદારને પહોંચાડવામાં આવ્યો હતો. તેમ છતાં ભુવેલ ગામની સર્વે નં.૧૬૯ વાળી જમીન પૈકી ૧૫ હજાર ચો.મી. જગ્યા પાણી પુરવઠા બોર્ડને સબ હેડ વર્ક્સ તથા ૩૨ લાખ લિટર ક્ષમતાને ભૂગર્ભ સંપ તથા ૧૬ લાખ લિટરની ૨૦ મીટર ઉંચી પાણીની ટાંકી બનાવવા માટે ફાળવી તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ નોંધ કરવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા બોર્ડને પાંચ વર્ષ માટે ભાડે આપવાની શરતે તેમજ બોર્ડને આગોતરો કબજો આપ્યાની નોંધ પણ કરવામાં આવી હતી. જેથી ગ્રામજનો દ્વારા ફરી આ યોજનાનો વિરોધ કર્યો હતો.
આ અંગે સંબંધિત વિભાગોમાં લેખીત રજૂઆત કરીને અન્ય જગ્યા ફાળવવા માટે માંગ કરી હતી. તા.૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ ભુવેલ ગામે આવ્યા હતા અને ગ્રામજનોને પ્રોજેક્ટ બાબતે સમજાવવા પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ગ્રામજનોએ વિરોધ ચાલુ રાખતા ગ્રામજનો અને પ્રાંત અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી. આ પ્રોજેક્ટમાં ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા અંગત રસ દાખવવામાં આવતું હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા હતા.તેમજ ગ્રામજનોનું હિત જોવામાં ન આવતું હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા.
ગ્રામજનો દ્વારા ખંભાતના ધારાસભ્યને સોમવારે લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, જનતાપરા વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બાંધકામ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અતિભારે વરસાદ દરમિયાન પાણીનો નિકાલ બ્લોક થઈ જશે અને ગટર લાઈન પણ બંધ થઈ જશે. પરિણામે જનજીવન પ્રભાવિત થશે. જેથી પાણી પુરવઠા બોર્ડને ફાળવવામાં આવેલી જગ્યાને તત્કાલ બદલીને અન્ય જગ્યાએ બાંધકામ કરવામાં આવે તેવી માંગ છે. તેમજ માંગ સ્વીકારવામાં નહીં આવે તો જનતાપરાના ૭૦થી ૮૦ પરિવારો આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.