'શ્વાન પણ શાક સુંઘીને જતા રહે છે' ગંદકીથી ખદબદતા ફૂડ કોર્ટ પર રેડ, AAPએ ખોલી તંત્રની પોલ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News


'શ્વાન પણ શાક સુંઘીને જતા રહે છે' ગંદકીથી ખદબદતા ફૂડ કોર્ટ પર રેડ, AAPએ ખોલી તંત્રની પોલ 1 - image

Surat Night Food Court : ખાણી-પીણીની વસ્તુઓમાં અવાર-નવાર જીવજંતુ અને ખરાબ ગુણવત્તા હોવાનું સામે આવતું રહે છે. ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા નાઇટ ફૂડ કોર્ટમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેની આમ આદમી પાર્ટીના મહિલા નેતાએ પોલ ખાલી છે. વિપક્ષે જનતા રેડ કરીને તંત્રની પોલ ખોલી છે. નાઇટ ફૂડ કોર્ટમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ નાસ્તા-ભોજનની મોજ માણવા માટે આવતા હોય છે ત્યારે હવે અહીં સામે આવેલી ગંદકી જોઈને લોકો ચોંક્યા હતા. આ નાઇટ ફૂડ માર્કેટ શહેર એકમાત્ર હોવાનું પાલિકા ગર્વ લઇ રહી છે. ત્યારે બિન આરોગ્યપ્રદ ખાદ્ય ખોરાકનું વેચાણ થતું હોવાની પોલ ઉઘાડી પડતાં તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા.

 બગડેલા શાકભાજી, સડેલી ડુંગળી અને ઠેર-ઠેર દુર્ગંંધ...

વિપક્ષને ફરિયાદ મળી હતી કે, શહેરના પીપલોદમાં આવેલું નાઇટ ફૂડ કોર્ટ ગંદકીથી ખદબદી રહ્યું છે. અહીં ઠેર-ઠેર ગંદવાડ છે અને બિન આરોગ્યપ્રદ ફૂડ બિંદાસ વેચાઇ રહ્યું છે. વેપારીઓ દ્વારા તેને સાફ કરવા કે સ્વચ્છ રાખવાની પણ તસદી નથી લેવાતી. જેથી વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા, રચના બેન હિરપરા, શોભાબેન કેવડિયા સહિતના નેતાઓએ પીપલોદના નાઇટ ફૂડ કોર્ટમાં ઓચિંતી રેડ પાડી હતી. રેડ દરમિયાન બગડેલા શાકભાજી, સડેલી ડુંગળી, ઠેર-ઠેર દુર્ગંધ આવતી હતી, તો ક્યાંક શાકની ગ્રેવીને શ્વાન સૂંઘીને જતા હતા.

'શ્વાન પણ શાક સુંઘીને જતા રહે છે' ગંદકીથી ખદબદતા ફૂડ કોર્ટ પર રેડ, AAPએ ખોલી તંત્રની પોલ 2 - image

વાસી મન્ચુરિયન અને શાકની ગ્રેવી સૂંઘતા જોવા મળ્યા શ્વાન 

નાઇટ ફૂડ કોર્ટમાં નજર દોડાવતાં કચરાપેટી પાસે શાકભાજી પડેલી જોવા મળી હતી, જે સળિયા પર પનીર ટીક્કા બનાવવામાં આવતા હતા તેના પર ધૂળ જામેલી હતી, મન્ચુરિયન પણ વાસી હતા. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે ફૂડ કોર્ટમાં ફરતાં શ્વાન શાકની ગ્રેવી સૂંઘતા જોવા મળ્યા હતા. ઘણી જગ્યાએ બિંદાસ દુર્ગંધયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ થતું જોવા મળ્યું હતું. ઠેર-ઠેર માખી-મચ્છરોનો ઉપદ્રવ હતો, જે ખાદ્ય પદાર્થો પર બણમણી રહી હતી. 

વિપક્ષની રેડ બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા

વિપક્ષ દ્વારા રેડ પાડતાં તંત્ર ઉંઘતું ઝડપાયું હતું અને પોલ ઉઘાડી પડી ગઇ હતી. પરંતુ ઇજ્જત બચાવવા માટે ફૂડ વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ચેકીંગ હાથ ધર્યું હતું. કર્મચારીઓએ આડેધડ નોટીસો ફટકારવાનું શરૂ કર્યું હતું. બિન આરોગ્યપ્રદ ફૂડનું વેચાણ થતું હોય જેથી 70 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. 


Google NewsGoogle News