કોર્પોરેશન દ્વારા સ્મશાન ગૃહોના સંચાલનનું આઉટસોર્સિંગ કરવાનો વિપક્ષનો વિરોધ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના 31 સ્મશાન ગૃહોને 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગથી સંચાલન સંસ્થાઓને સોંપવા માંગે છે. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા કહે છે કેસ્મશાનગૃહોમાં કામગીરી તો કોર્પોરેશનનો કર્મચારી જ કરતો હોવો જોઈએ. સયાજીરાવ ગાયકવાડના વખતથી સ્મશાન ગૃહોમાં મફત લાકડા અને છાણા આપવામાં આવતા હતા. કોર્પોરેશને પણ અંતિમ ક્રિયા માટે લાકડા મફત આપવા જોઈએ.
સ્મશાન ગૃહના નામે વેપાર થવો ન જોઈએ. દરમિયાન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ના કહેવા મુજબ કોર્પોરેશનના દરેક ઝોનમાં બે ત્રણ સ્મશાનો જ ઉપયોગમાં લઈ શકાય તેમ છે, અને તેમાં પણ નિભાવણીની જરૂરિયાત છે. શહેરમાં 4 થી 5 સ્મશાનો જ એવા છે, જેમાં ગેસ ચિતાની સુવિધા છે. અંદાજે 15 સ્મશાનોમાં તો 1થી 6 મહિના સુધી એક પણ મૃત્યુ દેહ સુવિધાના અભાવે અંતિમ ક્રિયા માટે લઈ જઈ શકાય નહીં તેવા છે, એટલે કે બંધ હાલતમાં છે.
સ્ટેન્ડિંગ સમિતિમાં આઉટસોર્સિંગ માટેની જે દરખાસ્ત લાવી છે તે માટે એમ કહી શકાય કે સ્મશાન ગૃહની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટે કારસો રચવામાં આવ્યો છે.જ્યારે બીજી બાજુ સેવાભાવી ટ્રસ્ટો શબ વાહિની પૂરી પાડવાની સેવા કરે છે. વિનામૂલ્ય લાકડા આપવાનું કામ કરે છે. નાગરિકોને સુવિધા આપવાના બદલે સંસ્થાઓને કમાવી આપવા માટેની આ દરખાસ્તને પાછી મોકલી દેવી જોઈએ. શહેરના સ્મશાનોમાં ખૂટતી સુવિધા ઉભી કરવા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાવી કામગીરી કરવી જોઈએ અને ગેસ ચિતાઓ પણ ઉભી કરવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.