હોડી હોનારત : શાળા સંચાલકો અને કોર્પોરેશનના અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વિપક્ષ નેતાની માગ
Image : Fileimage
Vadodara Harni Boat Incident : હરણી બોટ દુર્ઘટના મામલે વડોદરા મનપાએ માત્ર એક નિવૃત્ત અધિકારી ઉપર દોષનો ટોપલો ઢોળી જવાબદાર અન્ય અધિકારીઓને બચાવવાનું કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતાએ દુર્ઘટના પીડીતોને 25 લાખનું વળતર ચૂકવવા અને કોઈપણ જાતની સુરક્ષા સુવિધા વિના નજીવા દરે તળાવ કોન્ટ્રાક્ટરને ફાળવવની દરખાસ્ત મોકલનાર તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.
વડોદરા મનપાના વિરોધ પક્ષતા નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે કે, તા.18 જાન્યુઆરી 2024ના રોજ હરણી બોટ દુર્ધટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ઘટના સમયે જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેવા દાવા થયા હતા. આજે જવાબદાર લોકો બિન્દાસ ફરી રહ્યા છે. ભોગ બનનારના પરિવારની પીડા કોઈ સમજી શકતું નથી. વાલીઓ સહમત ન હોવા છતાં આર્થિક લાભ માટે શાળા સંચાલકો વિદ્યાર્થીને લઈ ગયા તેમની સામે કાર્યવાહી ક્યારે ? કોન્ટ્રાક્ટરને મફતના ભાવે તળાવ પધરાવનાર અધિકારીઓ સામે પગલાં ક્યારે ? કોર્પોરેશનમાંથી બરતરફ કરેલ અધિકારી ભાગીદાર કેવી રીતે બન્યા ? આજે પણ કંપની બનાવી ટાઉન પ્લાનિંગના કામો હાથમાં લઈ રહ્યા છે તો આ તપાસનો વિષય છે. સરકાર દ્વારા નજીવી રકમ 4 લાખ આપવી ઘટના ઉપર પૂર્ણવિરામ મૂકવા સમાન કાર્ય લાગે છે. કોંગ્રેસ પક્ષની પીડિતોને વળતર પેટે 25 લાખની માગ છે. પરંતુ આ દરખાસ્તને નજર અંદાજ કરવામાં આવી છે. આડેધડ કાર્યક્રમોમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચા માટે નાણા છે પરંતુ આવી ઘટનાઓના વળતરમાં વિચાર કરવો અયોગ્ય છે. સુરસાગર કાંડ થયા પછી પણ શીખ ન લઈ હરણી બોટકાંડના ભાગીદાર બન્યા છે. કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડ વખતે ભોગ બનનારા કુટુંબોમાંથી કોર્પોરેશનમાં નોકરી ન હોવા છતા પણ માનવતાના ધોરણે કોર્પોરેશનમાં નોકરી આપી હતી. એવું નથી કે, રાજેશ ચૌહાણને સજા ન કરો દોષી હોય એવા તમામને સજા કરે. જો રૂપીયા માટે બધા ભાગીદાર બને તો સજા માટે પણ તમામને સજા થવી જોઇએ.