આજે મનપાની સાધારણ સભા : સભાગૃહમાં વિપક્ષ, કચેરીમાં ઝૂપડપટ્ટીના ગરીબો શાસકોને સાણસામાં લેશે
- ના.કમિશનર માટે નવી કાર લેવા, ચીફ ઓડિટરનો 6 માસ માટે કરાર લંબાવવા સહિતના ઠરાવ રજૂ થશે
- શહેરમાં રખડતા શ્વાનોના વધી રહેલા આતંક અને લીઝપટ્ટામાં એકને ખોળ, બીજાને ગોળની બેધારી નીતિ સહિતના મુદ્દાઓ ઉપર કોંગ્રેસના સભ્યો ધબધબાટી બોલાવશે
બીએમસીના સભાગૃહમાં આવતીકાલ તા.૨૮-૧ને મંગળવારે સાંજે ૪ કલાકે વિવિધ ૧૩ ઠરાવને મંજૂરી આપવા માટે સાધારણ સભા મળશે. આ સામાન્ય સભામાં આર્થિક સહાય, લીઝપટ્ટાની મુદ્દત વધારવા, વાઘાવાડી ફિલ્ટર પૈકી સીટી સર્વે નં.૭, સર્વે નં.૨૬૨૫/પીવાળી ૪૫૦૨.૫૦ ચો.મી. જમીનને રૂા.૪૪,૧૨,૪૫,૦૦૦ (૪૪ કરોડથી પણ વધુ) વસૂલી બજાર કિંમતના ૧.૫ ટકા મુજબની વાર્ષિક લીઝથી જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિ.)ને ૩૦ વર્ષની મુદ્દત સુધી જમીન ફાળવવા, ટી.પી. સ્કીમ નં.૬ (સિદસર)ને એવોર્ડ પહેલાનો પરામર્શ આપવા, વર્ષ ૨૦૨૩-૨૪ની અનટાઈડ ગ્રાન્ટની રકમમાંથી ૧૦.૫૦ લાખના ખર્ચે નાયબ કમિશનર (જનરલ) માટે વાહન ખરીદવા અને બાકીની રકમ ૬,૮૫,૦૩ લાખ રૂપિયા કચરાના નિકાલ, સફાઈના કામો, પાણી ચાર્જ ચુકવવા અને ઢોર ડબ્બાના નિભાવ માટે સરખા ભાગે ફાળવણી કરવા તેમજ ચીફ ઓડિટર એ.કે. પટેલને વધુ છ માસ માટે કરાર આધારિત કામચલાઉ ધોરણે નિમણૂકની મંજૂરી સહિત ૧૩ તુમાર અને અધ્યક્ષસ્થાનેથી રજૂ થાય તે ઠરાવને મંજૂરીની મહોર મારવામાં આવનાર છે.
એક તરફ સભાગૃહમાં સામાન્ય સભા શરૂ થશે ત્યારે જ ગરીબોના ઝૂંપડા ન પાડવાની માંગણી સાથે ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા ધરણાં યોજવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ પણ સાધારણ સભાને તોફાની બનાવવાના મૂડમાં છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કૂતરાં કરડવાની, નાના-બાળકો અને વૃદ્ધોને શ્વાનોના ટોળા દ્વારા ઘેરીને પીંખી નાંખવાની ચિંતાજનક ઘટનાઓ વધી છે. તેમ છતાં ભાગ બટાઈની માનસિકતા ધરાવતા શાસકો અને મ્યુનિ.ના અધિકારીઓના પાપે શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે. આ ઉપરાંત લીઝપટ્ટાની મુદ્દત વધારવામાં પણ વ્હાલા, દવલાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી હોવાના આક્ષેપો તેમજ અન્ય પ્રશ્નો સાથે વિપક્ષના સભ્યો સાધારણ સભાને તોફાની બનાવશે તેવું જાણવા મળ્યું છે.