મહુવામાં પાણી-ડ્રેનેજ લાઈનના કામમાં ભ્રષ્ટાચારના ભોરિંગનો વિપક્ષનો આક્ષેપ
- 10 દિવસમાં કાર્યવાહી નહીં તો આંદોલન, મહુવા બંધની ચિમકી
- ડામર રોડના કામમાં ગેરરીતિ મામલે પ્રાદેશિક કમિશનરે કરેલી તપાસ કાર્યવાહીમાં એજન્સીને બચાવવા ધમપછાડા
મહુવામાં મેલડી માતાજીના મંદિરથી સર્કિટ હાઉસ સુધી તેમજ ભાદ્રોડ ઝાપા, કબ્રસ્તાનથી નગરપાલિકા શોપિંગ સેન્ટર સુધી ડ્રેનેજ લાઈન નાંખવાના કામ અને પ્રભાતનગરથી મેલડી માતાજીના મંદિર સુધી પાણીની લાઈનના કામમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સાથે ન.પા.ના વિપક્ષના નેતા લાખાભાઈ ગોહિલે ન.પા.ના સબ ઓવસિયર, એન્જીનિયર, કોન્ટ્રાક્ટર પાસે કામોના રેકર્ડ, અસલ વાઉચતર, માપ પોથીઓ વગેરે રજૂ કરવા માંગણી કરી હતી. આ અંગેનો ઠરાવ પણ સાડા ત્રણ માસ પૂર્વે સામાન્ય સભામાં કરાયો હતો. તેમ છતાં આજદિન સુધી હુકમનો અનાદર કરવામાં આવ્યો છે. લેખિતમાં માગવામાં આવેલી માહિતીના બદલે અલગ પ્રકારની માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવ્યાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત ઉપરોક્ત કામોમાં એજન્સીને રકમની ચૂકવણી કરી દેવાઈ છે. પરંતુ કામનો રિપોર્ટ પ્રમુખને આજદિન સુધી રજૂ કરાયો ન હોય, જવાબદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા મ્યુનિ. એન્જીનિયરને અધિકૃત કરવા તેમજ જ્યાં સુધી કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી જવાબદાર કર્મચારીના ભવિષ્યમાં નિવૃત્તિ સહિતના લાભો અટકાવવા ભાજપ, સપા અને કોંગ્રેસના ૧૭ સભ્યોએ સર્વાનુમતે દરખાસ્તને મંજૂરી આપી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોય, જો આ ગંભીર પ્રશ્ને ૧૦ દિવસમાં કોઈ પગલા નહીં ભરાઈ તો અનશન આંદોલન અને મહુવા બંધનું એલાન આપવા કોંગ્રેસના નેતાએ ચિમકી ઉચ્ચારી છે. તેમજ સબ ડામરના કામમાં ભાવનગર પ્રાદેશિક કમિશ્નર દ્વારા એજન્સી સામે ચાલી રહેલી તપાસમાં અંદાજપત્ર, એમ.બી. રેકર્ડ માંગતા એજન્સીને બચાવવા ખૂદ ન.પા.નો કર્મચારી જ ધમપછાડા કરી રહ્યો હોય તેમ રેકર્ડ શાખામાં ઉપલબ્ધ નથી તેવો જવાબ અપાયો હતો. આ ઉપ્રાંત રજિસ્ટરોના પાના પણ ફાડી નાંખી રેકર્ડનો નાશ કરાયો હોવાનું જણાવી વિપક્ષના નેતા લાખાભાઈ ગોહિલે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.