હજીરામાં આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં એક મહિનામાં બીજી દુર્ઘટના, લિફ્ટ તૂટતા એકનું મોત
Hajira News : સુરત જિલ્લાના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીમાં વધુ એક દુર્ઘટના સર્જાય છે. જેમાં એક નંબરના પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં લિફ્ટ ઓપરેટર સહિત બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા આશુતોષ હોસ્પિટલમાં દાખલ કરાય હતા. જ્યારે લિફ્ટ ઓપરેટરની હાલત ગંભીર હોવાથી તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલ મોકલવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ગત 31મી ડિસેમ્બર, 2024ના રોજ AMNS કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાથી 4 મજૂરોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું.
લિફ્ટ તૂટી પડતાં ઓપરેટરનું મોત
સુરત જિલ્લાના હજીરામાં 25 જાન્યુઆરી, 2025ના રોજ AMNS કંપનીના પ્લાન્ટ નંબર-1માં એચબીઆઈ મોડલ નંબર-4માં લિફ્ટ તૂટી જવાની દુર્ઘટના સર્જાય હતી. જેમાં મહેશ કુમાર નામના લિફ્ટ ઓપરેટરને બ્રેઈન હેમરેજ થયું હતું, ત્યારબાદ મહેશને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મહેશનું મોત નીપજ્યું હતું. જ્યારે લિફ્ટ તૂટવાની દુર્ઘટનામાં જતીનકુમાર કુશવાહા નામના ટ્રેઈની એન્જિનિયરની હાલત ગંભીર હોવાથી હાલ સુરતની આશુતોષ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે.
સમગ્ર ઘટના મામલે કંપની દ્વારા પોલીસને સમયસર જાણ ન કરાય હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજીરા પોલીસને જાણવાજોગ ઘટના અંગે નોંધ કરાય હતી.
અગાઉ આગ દુર્ઘટનામાં 4 મજૂરોનો મોત
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરામાં 31મી ડિસેમ્બર, 2024ની મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ - 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 4 મજૂરો લિફ્ટમાં ફસાયા હતા, જેમાં ધવલકુમાર નરેશભાઈ પટેલ, ગણેશ સુરેશભાઈ પટેલ, જીજ્ઞેશ દિલીપભાઈ પારેખ, સંદિપ પટેલ નામના કર્મચારીઓના મોત નીપજ્યા હતા. જ્યારે 10 લોકોને ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને AMNS કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'કંપનીમાં સાંજના શટડાઈન પછી અકસ્માતની ઘટના બની હતી. આ દરમિયાન ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો લિફ્ટમાં ફસાયા હતા. ઘટનાને પગલે તમામ ઈમરજન્સી પ્રોટોકોલ ફોલો કરાયા હતા. અકસ્માતની ઘટનાને લઈને તપાસ હાથ ધરાય હતી.'